✕

હિમાચલ પ્રદેશના અપના ઘર વૃદ્ધાશ્રમમાં આજે પાર પડશે અનોખાં લગ્નઃ ૭૫ વર્ષના વરરાજા અને ૬૩ વર્ષની કન્યા

25 November, 2026 03:20 PM IST  |  Shimla | Gujarati Mid-day Correspondent

કોર્ટ-મૅરેજ બાદ આશ્રમમાં હિન્દુ વિધિ મુજબ લગ્ન કરવામાં આવશે અને ત્યાર બાદ યુગલને નાલાગઢના નવા વૃદ્ધાશ્રમમાં ખસેડવામાં આવશે.

૭૫ વર્ષના કનૈયાલાલ ૬૩ વર્ષની સબીના

હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં અપના ઘર વૃદ્ધાશ્રમમાં રહેતા ૭૫ વર્ષના કનૈયાલાલ ૬૩ વર્ષની સબીના સાથે આજે પ્રભુતામાં પગલાં માંડશે. ઘાઘસ પ્રદેશના દયોલીમાં અપના ઘર વૃદ્ધાશ્રમના રહેવાસી કનૈયાલાલ અને સબીનાની વાત ભાવનાત્મક અને હૃદયસ્પર્શી છે.

મંડી જિલ્લાના થુનાગના રહેવાસી કનૈયાલાલે તેમની પત્નીના મૃત્યુ પછી તેમની જમીન તેમના ભાઈઓના નામે કરી દીધી હતી, કારણ કે તેમને કોઈ સંતાન નહોતું. જોકે જમીન મળ્યા બાદ તેમના જ પરિવારના સભ્યોએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. દુઃખથી કંટાળીને તેઓ જંગલમાં આવેલી ગુફામાં રહેવા લાગ્યા હતા, જ્યાંથી તેમને ૨૦૨૨માં વૃદ્ધાશ્રમમાં લાવવામાં આવ્યા હતા. બીજી તરફ કલકત્તાની રહેવાસી સબીના માનસિક બીમારીને કારણે શિમલાના મશોબરામાં પહોંચી હતી. નારી નિકેતનમાં ચાર વર્ષ રહ્યા પછી તે ૨૦૨૫માં દયોલી વૃદ્ધાશ્રમમાં આવી હતી.

એકલતા વચ્ચે કનૈયાલાલ અને સબીનાને એકમેકનો ટેકો મળ્યો અને તેમણે સાથે રહેવાનું નક્કી કર્યું હતું. વૃદ્ધાશ્રમના સ્થાપક ઍડ‍્વોકેટ પ્રકાશ બંસલે તેમની લાગણીઓને માન આપ્યું અને લગ્નની તૈયારીઓ શરૂ કરી હતી. કોર્ટ-મૅરેજ બાદ આશ્રમમાં હિન્દુ વિધિ મુજબ લગ્ન કરવામાં આવશે અને ત્યાર બાદ યુગલને નાલાગઢના નવા વૃદ્ધાશ્રમમાં ખસેડવામાં આવશે.

himachal pradesh kolkata shimla hinduism news national news