06 May, 2023 10:57 AM IST | Rajouri | Gujarati Mid-day Correspondent
રાજૌરી જિલ્લામાં ગઈ કાલે કંડી વિસ્તારમાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટરના સ્થળની નજીક સુરક્ષા-કર્મચારીઓ (તસવીર : પી.ટી.આઇ.)
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના કંડી વન વિસ્તારમાં ગઈ કાલે આતંકવાદીઓએ કરેલા બ્લાસ્ટમાં આર્મીના સ્પેશ્યલ ફોર્સના પાંચ જવાન શહીદ થયા હતા, જ્યારે મેજર રૅન્કના એક અધિકારીને ઈજા થઈ હતી.
આર્મીના નૉર્ધર્ન કમાન્ડે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે જમ્મુ પ્રદેશમાં ભાટા ધુરિયાનના ટોટા ગલી એરિયામાં ગયા મહિને આર્મીની એક ટ્રક પર થયેલા હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓનો સફાયો બોલાવવા માટે જવાનો સતત ઇન્ટેલિજન્સ આધારિત ઑપરેશન્સ કરી રહ્યા છે.
રાજૌરી સેક્ટરના કંડી વન વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી મળતાં ત્રીજી મેએ એક જૉઇન્ટ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ગઈ કાલે સવારે સાડાસાત વાગ્યાની આસપાસ એક સર્ચ ટીમ આતંકવાદીઓની નજીક પહોંચી ગઈ હતી. આતંકવાદીઓએ ગુફામાં પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું હતું. એ વિસ્તાર ખડકાળ છે અને સીધા ખડકોથી ભરપૂર છે. આતંકવાદીઓએ એક વિસ્ફોટ કર્યો હતો, જેમાં આર્મીના જવાન શહીદ થયા હતા.
આર્મીના સ્ટેટમેન્ટમાં વધુ જણાવવામાં આવ્યું છે કે નજીકમાં રહેલી વધારાની ટીમ્સને એન્કાઉન્ટરના સ્થળે મોકલવામાં આવી હતી. ઈજાગ્રસ્ત જવાનોને ઉધમપુરમાં કમાન્ડ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ ઑપરેશનમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ ઠાર મરાયા હોવાની પણ શક્યતા છે. દરમ્યાન રાજૌરી જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે.