05 November, 2024 08:45 AM IST | Almora | Gujarati Mid-day Correspondent
બસ ખીણમાં પડી એ પછી એમાંથી નીકળેલા મૃતદેહોને જોઈને અરેરાટી ફેલાઈ હતી. ઘાયલ થયેલા કેટલાક લોકોને હવાઈ માર્ગે હૃષીકેશ લઈ જવામાં આવ્યા હતા
ઉત્તરાખંડમાં અલ્મોડા જિલ્લામાં બસ ૨૦૦ મીટર ઊંડી ખીણમાં પડી જવાથી થયેલા અકસ્માતમાં ૧૦ મહિલા સહિત કુલ ૩૬ પ્રવાસીઓનાં મૃત્યુ થયા બાદ પૌડી અને અલ્મોડાના અસિસ્ટન્ટ રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. બીજી તરફ ઉત્તરાખંડ સરકારે આ અકસ્માત વિશે મૅજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપી દીધો છે.
આ બસ ગઢવાલના પૌડીથી ૨૫૦ કિલોમીટર દૂર કુમાઉંના રામનગર જઈ રહી હતી. રવિવારે રાત્રે રવાના થયેલી આ બસને ગઈ કાલે સવારે ૮ વાગ્યે અકસ્માત નડ્યો હતો. ૪૩ બેઠકો ધરાવતી આ બસમાં ૬૩ પ્રવાસીઓ હતા અને એ સ્પીડમાં જઈ રહી હતી ત્યારે પૌડી-અલ્મોડા સરહદ પર રામનગર કૂપી પાસે ઢોળાવ ધરાવતા રસ્તા પર ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે. રામનગરથી ૩૫ કિલોમીટર પહેલાં જ આ બસ ખીણમાં પડી હતી. સ્થાનિક લોકો, પોલીસ અને બચાવકાર્યની ટીમના લોકોએ પૅસેન્જરોને બહાર કાઢ્યા હતા. ઘાયલોને હૃષીકેશની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જીવ ગુમાવનારી વ્યક્તિઓના પરિવારજનોને વડા પ્રધાન રાહત ભંડોળ અને મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાંથી અનુક્રમે બે લાખ અને ચાર લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને પણ અનુક્રમે ૫૦,૦૦૦ અને એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.