17 September, 2026 09:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોનોક્રોમ પ્લાન્ટિંગ
ગાર્ડનિંગ અને હોમ ડેકોરમાં લાંબા સમયથી લાલ, પીળાં અને ગુલાબી જેવાં બ્રાઇટ ફૂલો સરસ લુક આપતાં હોવાથી લોકો પોતાના ઘર અને બગીચાને વાઇબ્રન્ટ લુક આપવા માટે ભાત-ભાતનાં ફૂલો વાવવાનું પસંદ કરતા આવ્યા છે. જોકે બદલાતા સમય સાથે ઇન્ટીરિયર અને એક્સ્ટીરિયર ડિઝાઇનની માનસિકતામાં મોટો ફેરફાર આવ્યો છે. મૉડર્ન અને મિનિમલિસ્ટિક લુક પસંદ કરતા લોકો માટે મોનોક્રોમ પ્લાન્ટિંગ એક ખૂબ જ લોકપ્રિય અને ટ્રેન્ડી કન્સેપ્ટ તરીકે ઊભરી રહ્યું છે. આ શૈલીમાં અલગ-અલગ રંગોની ઝાકઝમાળ કરવાને બદલે મુખ્યત્વે એક જ રંગના, ખાસ કરીને લીલા રંગના જ વિવિધ શેડ્સ, પત્તાંના આકારો અને ટેક્સ્ચરનું સંયોજન કરવામાં આવે છે.
મોનોક્રોમ શબ્દનો અર્થ થાય છે એક જ રંગની શ્રેણી. આ કન્સેપ્ટનો મુખ્ય હેતુ લીલા રંગના વિવિધ શેડ્સનો ઉપયોગ કરવાનો છે. એમાં આછો લીલો, ઘેરો લીલો, લાઇમ ગ્રીમ, ઑલિવ ગ્રીન અને સિલ્વર ગ્રીન જેવા શેડ્સ એકસાથે લાવવામાં આવે છે. રંગોની વિવિધતા ન હોવા છતાં આ પદ્ધતિ દૃશ્યમાન આકર્ષણ ઊભું કરવા માટે પાંદડાંનું ટેક્સ્ચર અને છોડના આકાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ગોળાકાર, લાંબાં, ભાલા જેવાં કે પછી કટઆઉટવાળાં પાંદડાં ધરાવતા છોડને એકસાથે મૂકવાથી ડૅપ્થ ઊભી થાય છે. દાખલા તરીકે મૉન્સ્ટેરાનાં મોટા કટઆઉટવાળાં પાંદડાં સાથે સ્નેક પ્લાન્ટનાં સીધાં અને પૉઇન્ટેડ પાંદડાંનું કૉમ્બિનેશન સારું લાગશે.
લીસાં અને ચમકદાર પાંદડાં, ખરબચડાં કે વેલ્વેટ જેવી સૉફ્ટ સર્ફેસ ધરાવતાં પાંદડાંવાળા છોડને સાથે ગોઠવવાથી વિઝ્યુઅલ કૉન્ટ્રાસ્ટ ઊભો થાય છે.
છોડની ઊંચાઈમાં તફાવત રાખીને લેયરિંગ કરવું ખૂબ જરૂરી છે. ઊંચા છોડની નીચે નીચા અને ફેલાતા છોડ મૂકવાથી ઑર્ગેનિક લુક મળે છે.
આ શૈલી માત્ર દેખાવમાં મૉડર્ન છે એવું નથી, પરંતુ એના કેટલાક લાભ પણ છે. ઘણાબધા રંગો આંખો માટે ક્યારેક ગીચ અને થકવી દેનારા બની શકે છે, પણ લીલો રંગ કુદરતી રીતે માનસિક શાંતિ આપે છે. એકસરખો ગ્રીન ટોન ઘરના વાતાવરણને શાંતિપૂર્ણ અને રિલૅક્સિંગ બનાવે છે.
ફૂલોવાળા છોડને ચોક્કસ ઋતુ, વધુપડતો તડકો અને વિશેષ ખાતરની જરૂર રહે છે. એની સરખામણીએ પાંદડાં ધરાવતા ઇન્ડોર કે આઉટડોર પ્લાન્ટ્સની જાળવણી પ્રમાણમાં સરળ અને લાંબા ગાળા માટે ટકાઉ હોય છે.
આજના મૉડર્ન અપાર્ટમેન્ટ્સ અને ઇન્ટીરિયરમાં વુડન, ગ્રે કે વાઇટ થીમ વધુ જોવા મળે છે. લીલા રંગનું મોનોક્રોમ સેટઅપ આવી થીમ સાથે સરળતાથી સેટ થઈ જાય છે અને ઘરને સૉફિસ્ટિકેટેડ લુક આપે છે.
મોનોક્રોમ પ્લાન્ટિંગ કરવા માટે મોટો બગીચો હોવો જરૂરી નથી. નાના લિવિંગરૂમ કે બાલ્કનીમાં પણ આ કન્સેપ્ટ સેટ કરી શકાય છે.
ઘરના કોઈ એક ખૂણામાં ૩ કે ૪ અલગ-અલગ ટેક્સ્ચર ધરાવતા લીલા છોડનું જૂથ બનાવો.
મોનોક્રોમ લુકને જાળવી રાખવા માટે કૂંડાં પણ ન્યુટ્રલ કલર જેવા કે વાઇટ, બ્લૅક, ગ્રે કે ટેરાકોટા પસંદ કરવાં જોઈએ જેથી આંખોનું ધ્યાન માત્ર છોડની ગ્રીનરી પર જ રહે.
પાંદડાંના શેડ્સ અને ટેક્સ્ચરને ઉપસાવવા માટે યોગ્ય નૅચરલ અથવા આર્ટિફિશ્યલ લાઇટિંગ હશે તો લીલા રંગના અલગ-અલગ શેડ્સ વધુ ઊભરીને સામે આવે છે.