દોઢ કરોડના દેવામાં ડૂબેલા ગુરુચરણ સિંહને થોડીક રાહત ૧૩ લાખ રૂપિયાની ડીલ મળી

22 January, 2025 09:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે લગભગ દોઢ કરોડ રૂપિયાના દેવામાં ડૂબી ગયો હતો. જોકે હવે ગુરુચરણ સિંહને થોડી રાહત થઈ હોવાના સમાચાર છે.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ફેન રોશન સિંહ સોઢી

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીનો રોલ ભજવીને સારીએવી લોકપ્રિયતા મેળવનાર ગુરુચરણ સિંહ કેટલાક મહિનાથી તેની કથળેલી પરિસ્થિતિને કારણે ચર્ચામાં છે.  તાજેતરમાં ગુરુચરણની તબિયત બગડી હતી જેને કારણે તેને હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવામાં આવ્યો હતો. એ ઉપરાંત તે લગભગ દોઢ કરોડ રૂપિયાના દેવામાં ડૂબી ગયો હતો. જોકે હવે ગુરુચરણ સિંહને થોડી રાહત થઈ હોવાના સમાચાર છે.

હાલમાં ગુરુચરણ સિંહની મિત્ર ભક્તિ સોનીએ ખુલાસો કર્યો છે કે તેના પ્રયાસોને કારણે હાલમાં ગુરુચરણ સિંહને ૧૩ લાખ રૂપિયાની બ્રૅન્ડ-ડીલ મળી છે જેને કારણે તેની પરિસ્થિતિમાં થોડો સુધારો આવ્યો છે અને હવે તે આ મહિનાના અંતમાં મુંબઈ આવીને આ ડીલ માટે શૂટિંગ કરશે.

ભક્તિ સોનીએ વાતચીત દરમ્યાન વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘હાલમાં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની પબ્લિસિટી-ટીમે ગુરુચરણ સિંહને કૉલ કર્યો હતો, પણ તેમના તરફથી કોઈ આર્થિક મદદ નથી આવી. ટીમે ગુરુચરણ સિંહના ખરાબ સમયમાં તેની કોઈ મદદ નથી કરી. ગુરુચરણ સિંહને કોઈ આર્થિક મદદની જરૂર નથી, પણ કામની જરૂર છે.’

ગુરુચરણ સિંહની હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ગયા વર્ષે મે મહિનામાં ગુરુચરણ સિંહ અચાનક ગુમ થઈ ગયો હતો. ઘણા દિવસો સુધી તેનો કોઈ પત્તો ન લાગતાં તેના પિતાએ પુત્ર ગુમ થયો હોવાની પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેને શોધવાના પૂરા પ્રયાસ કર્યા હતા. એ પછી તે લગભગ પચીસ દિવસ પછી ઘરે પાછો આવ્યો હતો.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ગુરુચરણ સિંહે લોકપ્રિય પાત્ર રોશન સિંહ સોઢીનો રોલ ભજવ્યો હતો અને એ લોકપ્રિય થયો હતો. જોકે તેણે ૨૦૧૨માં આ શો છોડી દીધો હતો અને લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને તેને પાછો લેવામાં આવ્યો હતો. આખરે ૨૦૨૦માં તેણે ફરીથી શો છોડી દેતાં તેને ઍક્ટર બલવિન્દર સિંહ સૂરિએ રિપ્લેસ કર્યો હતો.

taarak mehta ka ooltah chashmah television news indian television entertainment news