24 April, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લલિત મનચંદા (તસવીર: સોશિયલ મીડિયા)
ટેલિવિઝન જગતમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. જેમાં ટીવીની સૌથી લોકપ્રિય સિરિયલ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ના એક અભિનેતાએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તેમનો મૃતદેહ તેમના જ ઘરેથી મળીને આવ્યો હતો. આ મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે. તેઓ અનેક સિરિયલમાં કામ કરવા માટે જાણીતા હતા.
`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ના ઍક્ટર લલિત મનચંદાએ આત્મહત્યા કરી લીધી છે. 21 એપ્રિલના રોજ, અભિનેતાનો મૃતદેહ તેમના મેરઠ સ્થિત ઘરમાં ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. જોકે, આ સમય દરમિયાન તેમના મૃતદેહ પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. પોલીસે ૩૬ વર્ષીય લલિત મનચંદાના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
લલિત મનચંદાના મૃત્યુની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે અભિનેતા માનસિક રીતે તણાવમાં હતા. મીડિયા અહેવાલ મુજબ, લલિત મુંબઈમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં, તે લગભગ છ મહિના પહેલા તેના પરિવાર સાથે મેરઠ પાછો ફર્યો હતો.
સિને અને ટીવી આર્ટિસ્ટ એસોસિએશને શ્રદ્ધાંજલિ આપી
લલિત મનચંદાના નિધનથી ટીવી ઉદ્યોગ અને તેમના ચાહકોને ખૂબ જ આઘાત લાગ્યો છે. સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને લલિતને શ્રદ્ધાંજલિ આપી છે. અભિનેતાનો ફોટો શૅર કરતા એસોસિએશને લખ્યું, `CINTAA લલિત મનચંદા (૨૦૧૨ થી સભ્ય) ના નિધન પર શોક વ્યક્ત કરે છે.` પોલીસે લલિત મનચંદાના પરિવાર અને નજીકના મિત્રોની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ આ મામલાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
લલિત મનચંદા ઘણા શોનો ભાગ હતા
તમને જણાવી દઈએ કે લલિત મનચંદાએ સબ ટીવીના લોકપ્રિય શો `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` સહિત અનેક ટીવી શોમાં કામ કર્યું છે. તે `ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ`, `ક્રાઈમ પેટ્રૉલ` અને `યે રિશ્તા ક્યા કહેલાતા હૈ` જેવા શોમાં પણ જોવા મળ્યો છે. આ અભિનેતા થોડા સમય પહેલા એક વેબ સિરીઝ માટે પણ કામ કરી રહ્યો હતો.
`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` 15 વર્ષ કરતાં વધુ સમયથી લોકોનું મનોરંજન કરી રહી છે. જોકે આ શોના અનેક કલાકારોએ શો છોડી દીધો હતો અને તે બાદ પ્રોડ્યુસર પર અનેક ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. આ સાથે કટલાક કલાકારોનું મૃત્યુ પણ થયું હતું. `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માંથી દિશા વાકાણી, નેહા મહેતા અને શૈલેશ લોઢા જેવા ખૂબ જ લોકપ્રિય કલાકારોએ શોને અલવિદા કહ્યું હતું. આ સાથે શોમાં નટ્ટુ કાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયક અને ડૉ. હંસરાજ હાથીનું પાત્ર ભજવનાર કવિ કુમાર આઝાદનું પણ નિધન થયું હતું.