08 October, 2023 06:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરદ કેળકર
શરદ કેળકરને તેની પહેલી સિરિયલના પહેલા દિવસના શૂટિંગ વખતે ખૂબ કડવો અનુભવ થયો હતો અને એનાથી તેની લાઇફ બદલાઈ ગઈ હતી. ૨૦૦૪માં દૂરદર્શનની સિરિયલ ‘આક્રોશ’થી તેણે ઍક્ટિંગની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ‘સિંદુર તેરે નામ કા’, ‘સાત ફેરે : સલોની કા સફર’, ‘સર્વગુણ સંપન્ન’, ‘ઉતરણ’, ‘કુછ તો લોગ કહેંગે’ અને ‘કોઈ લૌટ કે આયા હૈ’ જેવી અનેક સિરિયલમાં કામ કર્યું છે. એ સિવાય તે ‘ગોલિયોં કી રાસલીલા : રામલીલા’, ‘હલચલ’, ‘ગેસ્ટ ઇન લંડન’, ‘ભૂમિ’, ‘હાઉસફુલ 4’, ‘લક્ષ્મી’ અને ‘ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. તેને સૌથી મોટા પ્રોડક્શન-હાઉસની સિરિયલમાં ફર્સ્ટ બ્રેક મળ્યો હતો, પણ એક ઝટકામાં જ તેનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. એ વિશે શરદે કહ્યું કે ‘મેં અઢીથી ત્રણ વર્ષ સુધી સ્ટ્રગલ કરી હતી. ૨૦૦૩માં મને જ્યારે મોટા પ્રોડક્શન-હાઉસનો પહેલો શો મળ્યો અને હું સેટ પર ગયો. મેં જોયું કે જે લોકોને મેં ટીવી પર જોયા હતા એ લોકો સાથે હવે હું કામ કરી શકીશ. હું એકદમ નવો હતો અને મને ઍક્ટિંગ વિશે કોઈ ગતાગમ નહોતી. હું એમ કહી શકું કે હું ખૂબ ખરાબ હતો, પરંતુ જ્યાં સુધી તમે એ ન કરો ત્યાં સુધી તમે એને સમજી ન શકો. મારો સીન શૂટ કરવાનો જ્યારે સમય આવ્યો ત્યારે ડિરેક્ટરે મારા ૩૦થી ૪૦ ટેક લીધા અને હું બરાબર પર્ફોર્મ ન કરી શક્યો. હું એકદમ હતાશ થઈ ગયો હતો. હું બોલવામાં પણ અચકાતો હતો. હું ડાયલૉગ બરાબર બોલી ન શક્યો. એ જ રાતે તેમણે કહ્યું કે આને રિપ્લેસ કરી દો. મને શોની બહાર કાઢી મૂકવામાં આવ્યો. મને એ વાતનું ખૂબ ખરાબ લાગી આવ્યું કે ઘણા સમય બાદ મને એક શો મળ્યો અને એ પણ મારા હાથમાંથી જતો રહ્યો.’