‘પવિત્ર રિશ્તા’ને ૧૪ વર્ષ થતાં ભાવુક થઈ અંકિતા લોખંડે

02 June, 2023 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શો ૨૦૦૯ના જૂનમાં શરૂ થયો હતો અને ૨૦૧૪ સુધી ચાલ્યો હતો

અંકિતા લોખંડે

‘પવિત્ર રિશ્તા’ સિરિયલને ૧૪ વર્ષ થતાં અંકિતા લોખંડે ભાવુક થઈ હતી. આ શોમાં સુશાંત સિંહ રાજપૂત પણ જોવા મળ્યો હતો. અંકિતાએ આ શોના પોતાના લુકની ઝલક શૅર કરી હતી. આ શો ૨૦૦૯ના જૂનમાં શરૂ થયો હતો અને ૨૦૧૪ સુધી ચાલ્યો હતો. ત્યાર બાદ ૨૦૨૧માં ફરીથી આ શોની શરૂઆત કરવામાં આવી હતી. એ વખતે સુશાંતનો રોલ શાહીર શેખે ભજવ્યો હતો. શોના પોતાના વિવિધ લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અંકિતા લોખંડેએ કૅપ્શન આપી હતી, ‘૧૪ વર્ષ પસાર થયાં છે ‘પવિત્ર રિશ્તા’નાં અને આજે પણ એ એટલો જ તરોતાજા છે અને મારા આ ફર્સ્ટ બેબી સાથે જોડાયેલી છું. ભગવાન, દરેક વસ્તુ માટે આભાર. એકતા કપૂર, મારા પર ​વિશ્વાસ કરવા માટે આભાર. મને અર્ચના તરીકે નવી ઓળખ આપવા માટે આભાર. આજે પણ લોકો જ્યારે મને મળે છે ત્યારે તેમના દિમાગમાં સૌથી પહેલાં અર્ચુનું નામ જ આવે છે અને મને એ વસ્તુ ખૂબ ગમે છે. આ શો સાથે જોડાયેલા તમામ લોકોનો અને જે લોકોએ આ શો ‘પવિત્ર રિશ્તા’ જોયો તેમનો હું દિલથી આભાર માનું છું.’ અંકિતાની આ પોસ્ટ જોઈને સૌને સુશાંતની યાદ આવી ગઈ. સોશ્યલ મીડિયામાં તેને લઈને લોકો કમેન્ટ કરવા લાગ્યા છે. એકે લખ્યું કે સુશાંત, તારી દરેક મિનિટે યાદ આવે છે. અન્ય એકે લખ્યું કે આજે પણ આ શો ફ્રેશ લાગે છે, પરંતુ સુશાંતને આજે પણ મિસ કરીએ છીએ.

entertainment news television news indian television pavitra rishta ankita lokhande sushant singh rajput