02 February, 2023 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
આવકવેરા ધારાની કલમ ૫૪ અને ૫૪એફ હેઠળ રહેણાક પ્રૉપર્ટીમાં પુનઃ રોકાણ કરવામાં આવે તો લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇનમાંથી મહત્તમ ૧૦ કરોડ રૂપિયા સુધીનું જ ડિડક્શન આપવાનો સરકારે નિર્ણય લીધો છે.
બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ મોંઘા ભાવના ઘર લીધા બાદ એના પર મોટા પ્રમાણમાં ડિડક્શન મેળવે છે એને અટકાવવા માટે ફાઇનૅન્સ બિલમાં ઉક્ત જોગવાઈ કરવામાં આવી છે.
હાલમાં જો રહેણાક ઘરના વેચાણથી મળેલા કૅપિટલ ગેઇનનું પુનઃ રોકાણ જો રહેણાક ઘરમાં જ કરવામાં આવે તો કલમ ૫૪ હેઠળ ડિડક્શન મળે છે. જો ઘર સિવાયની બીજી કોઈ લૉન્ગ ટર્મ કૅપિટલ ઍસેટમાંથી મળેલા કૅપિટલ ગેઇનનું રહેણાક ઘરમાં પુનઃ રોકાણ કરવામાં આવે તો કલમ ૫૪એફ હેઠળ ડિડક્શન મળે છે. આ બન્ને કલમોનો ઉદ્દેશ બાંધકામ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો હતો, છતાં એવું જોવામાં આવ્યું છે કે વાસ્તવમાં એ ઉદ્દેશ બર આવતો નથી. આથી બન્ને કલમ હેઠળ ડિડક્શનની ૧૦ કરોડ રૂપિયાની મર્યાદા રાખવામાં આવી છે. આ ફેરફાર ૨૦૨૪ની ૧ એપ્રિલથી લાગુ થશે. આકારણી વર્ષ ૨૦૨૪-’૨૫થી શરૂ થઈને પછીનાં વર્ષો માટે એ અમલી રહેશે એમ બજેટના દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે.