આર્થિક ડેટાની નબળાઈને અવગણી શૅરબજારે સુધારો આગળ વધાર્યો

03 December, 2024 08:31 AM IST  |  Mumbai | Anil Patel

અદાણીના શૅરોમાં મોટા પાયે રોકાણ કરનાર GQG પાર્ટનર્સનો શૅર ૧૪ ટકા ગગડ્યો: અદાણી ગ્રીન ઉપલા મથાળેથી ૧૪૪ રૂપિયા, અદાણી એનર્જી ૧૫૪ રૂપિયા, અદાણી ટોટલ સાતેક ટકા ખરડાયા

શૅરબજાર

અદાણીના શૅરોમાં મોટા પાયે રોકાણ કરનાર GQG પાર્ટનર્સનો શૅર ૧૪ ટકા ગગડ્યો: અદાણી ગ્રીન ઉપલા મથાળેથી ૧૪૪ રૂપિયા, અદાણી એનર્જી ૧૫૪ રૂપિયા, અદાણી ટોટલ સાતેક ટકા ખરડાયા: અતિ મોંઘા ભાવનો સુરક્ષા ડાયગ્નોસ્ટિકનો ઇશ્યુ અત્યાર સુધીમાં માત્ર ૨૫ ટકા ભરાયો, ગ્રે માર્કેટમાં કોઈ કામકાજ નહીં: વેચાણના આંકડા પાછળ મારુતિ સુધરી, હ્યુન્દાઇ ઘટી: વિન્ડફૉલ ટૅક્સની નાબૂદી ઑલ શૅરોમાં બેઅસર નીવડી: પાકિસ્તાની શૅરબજાર ૨૦૦૦ પૉઇન્ટના ઉછાળે એક લાખ ત્રણ હજાર પૉઇન્ટની પાર થયું: ઝિન્કા લૉજિસ્ટિક્સ ૨૦ ટકાની તેજી સાથે નવા બેસ્ટ લેવલે બંધ

સપ્ટેમ્બર ક્વૉર્ટરના આર્થિક વિકાસદરમાં ધબડકો થયો છે. વર્ષ પૂર્વેના ૮.૧ ટકાની સામે આ વેળા ૫.૪ ટકાનો જીડીપી ગ્રોથ નોંધાયો છે. રિઝર્વ બૅન્કનો વરતારો ૭ ટકાનો અને આર્થિક પંડિતોની ધારણા સાડાછ ટકાની હતી. આના પગલે વિશ્લેષકો તરફથી હવે ૨૦૨૫ના ગ્રોથ-રેટના અંદાજ પણ ડી-ગ્રેડ કરવાનું શરૂ થઈ ગયું છે. આ પછી PMIની રીતે ગયા મહિને દેશનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ પણ ૧૧ મહિનાની નીચી સપાટીએ આવ્યો છે. સળંગ ૩૬ દિવસની એકધારી, આક્રમક વેચવાલી બાદ ૨૫થી ૨૭ નવેમ્બરના ત્રણ દિવસમાં ૧૧,૩૦૦ કરોડ જેવી નેટ લેવાલી કર્યા પછી FII ફરીથી નેટ સેલરની ભૂમિકામાં આવી ગઈ છે. છેલ્લા બે જ દિવસમાં એણે ૧૬,૨૦૦ કરોડ જેવી રોકડી કરી લીધી. ઑક્ટોબરમાં ૧,૧૪,૪૪૬ કરોડની નેટ વેચવાલી પછી ગયા મહિને પણ FII તરફથી ૪૫,૯૭૪ કરોડનું નેટ સેલિંગ થયું છે. આ ટ્રેન્ડ ક્યાં જઈને અટકશે એની કોઈને ખબર નથી. રિઝર્વ બૅન્કની પૉલિસી મીટિંગ ૬ ડિસેમ્બરે છે. ફુગાવાના વધતા જોરને જોતાં બહુમતી પંડિતો માને છે કે સતત ૧૧મી વખત પણ રિઝર્વ બૅન્ક વ્યાજદર યથાવત રાખશે. મતલબ કે રેટ-કટ હમણાં નહીં આવે. આપસી વ્યાપારમાં ડૉલરના બદલે અન્ય કોઈ કરન્સી ઉપયોગમાં લેવા થનગની રહેલા બ્રિક્સ દેશોને ટ્રમ્પે ધમકી આપી છે. વેપારમાં ડૉલરની અવગણના કરશો તો તમારે ત્યાંથી થતી આયાત પર ૧૦૦ ટકા ડ્યુટી નાખી દઈશ. ટ્રમ્પની ધમકીથી ડૉલર સામે રૂપિયો વધુ દયાયણો બની ૮૪.૭૧ના નવા ઑલટાઇમ તળિયે પહોંચ્યો છે. ૨૦૨૪ની વિદાય ડૉલર સામે ૮૫ના રૂપિયાથી થશે એમ લાગે છે.

આ બધી રામાયણ વચ્ચે બજારે ગઈ કાલે સુધારો આગળ ધપાવ્યો છે. સેન્સેક્સ ૪૪૫ પૉઇન્ટ વધી ૮૦,૨૪૮ તો નિફ્ટી ૧૪૫ પૉઇન્ટ વધી ૨૪,૨૭૬ બંધ થયો છે. શરૂઆત નબળી હતી. શૅરઆંક ૫૭ પૉઇન્ટ જેવી પીછેહઠમાં ૭૯,૭૪૪ ખૂલી નીચામાં ૭૯,૩૦૯ થયો હતો. કલાક પછી બજાર પૉઝિટિવ ઝોનમાં આવી ક્રમશઃ વધતું ગયું હતું. સેન્સેક્સ નીચલા મથાળેથી ૧૦૨૯ પૉઇન્ટ ઊચકાઈ ઉપરમાં ૮૦,૩૩૮ નજીક ગયો હતો. બજારનું માર્કેટકૅપ સોમવારે ૩.૦૨ લાખ કરોડ વધીને ૪૪૯.૭૦ લાખ કરોડ નજીક પહોંચ્યું છે. માર્કેટ બ્રેડ્થ મજબૂત રહી છે. NSEમાં વધેલા ૧૮૦૪ શૅર સામે ૧૦૪૩ જાતો ઘટી છે. બન્ને બજારના મોટા ભાગના સેક્ટોરલ વધ્યા છે. સેન્સેક્સ નિફ્ટીની અડધા ટકા પ્લસની આગેકૂચ સામે મિડકૅપ એક ટકો, સ્મૉલકૅપ પોણો ટકો, બ્રૉડર માર્કેટ ૦.૭ ટકા, રિયલ્ટી ત્રણ ટકાથી વધુ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બેન્ચમાર્ક સવાબે ટકા, મેટલ તથા હેલ્થકૅર સવા ટકો, ઑટો ઇન્ડેક્સ પોણો ટકો, નિફ્ટી મીડિયા એક ટકો પ્લસ હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી, FMCG બૅન્કેક્સ નહીંવત તો યુટિલિટીઝ ઇન્ડેક્સ અડધા ટકા નજીક નરમ હતો.

અમેરિકન ડાઉ શુક્રવારે નવા શિખરે જઈ નજીવા સુધારે બંધ આવ્યા પછી સોમવારે મોટા ભાગનાં એશિયન બજાર સુધર્યાં હતાં. તાઇવાન બે ટકા, ચાઇના એક ટકો, હૉન્ગકૉન્ગ, જપાન અને થાઇલૅન્ડ પોણો ટકો અપ હતું. ઇન્ડોનેશિયા એક ટકો તો સાઉથ કોરિયા નહીંવત ઘટ્યું છે. પાકિસ્તાની શૅરબજાર ૧,૦૩,૩૮૬ની નવી ઑલટાઇમ હાઈ બતાવી રનિંગમાં બે ટકા કે ૨૦૦૪ પૉઇન્ટના ઉછાળે ૧,૦૩,૩૬૨ દેખાયું છે. યુરોપ રનિંગમાં બહુધા અડધો-પોણો ટકો પ્લસ હતું. બિટકૉઇનને લાખેણા થવું છે, પરંતુ નજીક જઈ પાછો પડી રહ્યો છે. ગઈ કાલે સવાબે ટકા ઘટી રનિંગમાં ૯૫,૧૦૨ ડૉલર ચાલતો હતો. ઉપરમાં રેટ ૯૮,૨૪૦ થયો હતો. બ્રેન્ટ ક્રૂડ પોણો ટકો પ્લસ તો કૉમેક્સ ગોલ્ડ રનિંગમાં અડધો ટકો નરમ હતું.

અમદાવાદી રાજેશ પાવરમાં ૧૦૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો
અમદાવાદી રાજેશ પાવર સર્વિસિસ ૧૦ના શૅરદીઠ ૩૩૫ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટ ખાતે ૧૫૭ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૭૩૬ ખૂલી ઉપરમાં સર્કિટમાં ૬૬૮ વટાવી ત્યાં  જ બંધ થતાં એમાં શૅરદીઠ ૩૩૩ રૂપિયા કે લગભગ ૧૦૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. ૧૬૦ કરોડ પ્લસનો આ BSE SME IPO કુલ ૫૯ ગણો છલકાયો હતો. અન્ય ત્રણ SME IPOમાં વિવાદાસ્પદ બનેલી સીટુસી ઍડ્વાન્સ્ડ સિસ્ટમ્સ તથા રાજપૂતાના બાયોડીઝલનું લિસ્ટિંગ આજે, મંગળવારે થશે. સીટુસીમાં હાલ ગ્રે માર્કેટમાં ૨૨૬ની ઇશ્યુ પ્રાઇસ સામે ૨૨૨ રૂપિયા તથા રાજપૂતાનામાં ૧૩૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૩૫નું પ્રીમિયમ બોલાય છે. અગરવાલ ટફન્ડ ગ્લાસનો ૧૦ના શૅરદીઠ ૧૦૮ની અપર બૅન્ડ સાથે ૬૨૬૪ લાખ રૂપિયાનો NSE SME IPO કુલ ૯.૯ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં ૯વાળું પ્રીમિયમ ઘટી હાલ ૩ રૂપિયા થઈ ગયું છે. ગણેશ ઇન્ફ્રાવર્લ્ડ અત્યાર સુધીમાં કુલ ૨૩ ગણો અને મેઇનબોર્ડમાં સુરક્ષા ડાયગ્નોસ્ટિક કુલ પચીસ ટકા જ ભરાયો છે. બને ભરણાં મંગળવારે બંધ થશે. ગણેશમાં પંચાવનનું પ્રીમિયમ ચાલે છે. સુરક્ષામાં કામકાજ નથી. મુંબઈના વર્લી ખાતેની નિસસ ફાઇનૅન્સ સર્વિસિસ ૧૦ના શૅરદીઠ ૧૮૦ની અપર બૅન્ડ સાથે કુલ ૧૧૪ કરોડ પ્લસનો BSE SME IPO બુધવારે કરવાની છે. ૨૦૨૨-’૨૩માં ૧૧૫૪ લાખની આવક પર ૩૦૨ લાખ નફો કરનારી આ કંપનીએ ગયા વર્ષે ૪૨૨૫ લાખની આવક તથા ૨૩૦૫ લાખનો નફો બતાવી દીધો છે. છેલ્લાં ત્રણ વર્ષની ઍવરેજ EPS પાંચ રૂપિયા પણ નથી. પ્રમોટર્સની શૅરદીઠ સરેરાશ પડતર ૬૦ પૈસાથી માંડીને બે રૂપિયાની છે. ઇશ્યુમાં ૧૨૬૧ લાખ રૂપિયા ઑફર ફૉર સેલના છે જે પ્રમોટર્સના ઘરમાં જશે. દરમ્યાન તાજેતરમાં લિસ્ટેડ થયેલી NTPC ગ્રીન એનર્જી ગઈ કાલે ૩.૫ ટકા વધીને ૧૨૯ હતી, જ્યારે SME કંપની લેમોસેઇક ઇન્ડિયા પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૬૩ની નવી નીચી સપાટીએ ગઈ છે. એન્વીરો ઇન્ફ્રા ૭.૬ ટકા ઊછળીને ૨૨૩ હતી. ઝિન્કા લૉજિસ્ટિક્સ બમણા વૉલ્યુમે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૩૨૫ના બેસ્ટ લેવલે જઈ ત્યાં જ રહી છે.

ભાવવધારાની થીમમાં સિમેન્ટ શૅરોમાં સિલેક્ટિવ ફૅન્સી
રાજુ એન્જિનિયર્સ ત્રણ શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થતાં ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૮૭ વટાવી ગયો હતો. વિપ્રો મંગળવારે શૅરદીઠ એક બોનસમાં બોનસ બાદ થવાનો છે. ભાવ એક ટકો સુધરી ૫૮૪ હતો. ડાયમંડ પાવર ૧૦ના શૅરના એકમાં વિભાજનની પૂર્વસંધ્યાએ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૧૫૭૪ બંધ થયો છે. ગુજરાત નૅચરલ રિસોર્સિસ ૧૦ના શૅરદીઠ ભાવોભાવ પાંચ શૅર સામે ત્રણના રાઇટમાં મંગળવારે એક્સ રાઇટ થશે. શૅર ગઈ કાલે ત્રણ ટકા ઘટી ૨૪ હતો. એનજીઆઇ ઇન્ફ્રા શૅર વિભાજન માટે બોર્ડ મીટિંગ માથે હોવાથી અઢી ટકા વધી ૧૬૪૭ રહ્યો છે.

ઓલા ઇલેક્ટ્રિક તરફથી ખાડે ગયેલી આફટર સેલ સર્વિસને સુધારવા તથા વેચાણ વધારવા ચાલુ મહિને ૩૨૦૦ જેટલા નવા શો રૂમ ખોલવાની જાહેરાત કરાઈ છે. એની અસરમાં ભાવ બમણા કામકાજે ઉપરમાં ૯૪.૫૦ થઈ ૬.૭ ટકા ઊચકાઈ ૯૩ થયો છે. કોચીન શિપયાર્ડને ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી ૧૦૦૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ મળતાં શૅર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૬૫૬ નજીક ગયો છે. પિઅર ગ્રુપમાં માઝગાવ ડૉક એક ટકો તથા ગાર્ડન રિચ શિપ બિલ્ડર્સ સવા ટકો નરમ હતા.

થોડાક સમય પૂર્વે રેટિંગ એજન્સી ઇકરા તરફથી સિમેન્ટ ઉદ્યોગનો ગ્રોથ-રેટ આગામી સમયમાં ધીમો કે ઢીલો રહેવાની આગાહી કરાઈ હતી. સિમેન્ટ કંપનીઓનાં ત્રિમાસિક પરિણામ નબળાં આવ્યાં છે. નફાશક્તિ ઘટી છે. એને ટેકો આપવા કાર્ટલના જોરથી સિમેન્ટ કંપનીઓ તરફથી વેચાણભાવ વધારવાનું શરૂ થયું હોવાના અહેવાલ છે. આ ભાવે ખરેખર ડિમાન્ડ મળી રહેશે કે પછી ખાનગી ભાવકાપ કરી માલ વેચવો પડશે એની ખબર ટૂંકમાં પડી જશે, પરંતુ હાલ ભાવવધારાના અહેવાલમાં સિમેન્ટ શૅરમાં સિલેક્ટિવ ફૅન્સી જોવાઈ છે. ગઈ કાલે સિમેન્ટ ઉદ્યોગના ૪૪માંથી ૩૬ શૅર પ્લસ હતા. સાગર સિમેન્ટ્સ સાડાછ ટકા, જેકે સિમેન્ટ ૫.૫ ટકા, શ્રી કેશવ સિમેન્ટ સાડાસાત ટકા, આંધ્ર સિમેન્ટ્સ પાંચ ટકા, મંગલમ સિમેન્ટ્સ ૪.૫ ટકા, જેકે લક્ષ્મી સવાચાર ટકા, કેસોરામ ઇન્ડ. પોણાચાર ટકા, સ્ટાર સિમેન્ટ્સ ચાર ટકા, દાલમિયાં ભારત ૩.૫ ટકા મજબૂત હતા. ગ્રાસિમ, નુવાકો વિસ્ટા, શ્રી સિમેન્ટ પોણાત્રણ – ત્રણ ટકા વધ્યા છે. અદાણીના સિમેન્ટ શૅર સામાન્યથી એકાદ ટકા જેવા સુધર્યા હતા.

અલ્ટ્રાટેકમાં ૪૪૦ની તેજી, અદાણીના શૅરોમાં મોટા ભાગે નરમાઈ
ભાવવધારાની થીમમાં અલ્ટ્રાટેક સિમેન્ટ્સ દોઢા વૉલ્યુમે ચારેક ટકા કે ૪૪૦ રૂપિયા ઊચકાઈ ૧૧,૬૪૦ના બંધમાં બન્ને બજાર ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે. રિલાયન્સ સવા ટકો વધી ૧૩૦૯ અને ઇન્ફી એક ટકો પ્લસના સુધારે ૧૮૭૯ બંધ આપી બજારને અનુક્રમે ૯૭ પૉઇન્ટ અને ૬૫ પૉઇન્ટ લાભદાયી નીવડ્યા હતા. નિફ્ટી ખાતે અપોલો હૉસ્પિટલ્સ ૨૩૭ રૂપિયા કે સાડાત્રણ ટકા, ગ્રાસિમ સવાત્રણ ટકા તથા શ્રીરામ ફાઇનૅન્સ અઢી ટકા પ્લસ હતા. જ્યારે JSW સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ટેક મહિન્દ્ર, ટાઇટન, મહિન્દ્ર, ડૉ. રેડ્ડીઝ લૅબ, સનફાર્મા જેવી જાતો દોઢથી અઢી ટકા મજબૂત બની છે. નવેમ્બરનું વેચાણ ૧૦ ટકા વધતાં મારુતિ સુઝુકી ૧૭૭ રૂપિયા કે દોઢ ટકાથી વધુ વધીને ૧૧,૨૬૦ થયો છે. હ્યુન્દાઇ મોટર નબળા વેચાણમાં પોણાબે ટકા ઘટી ૧૮૮૨ હતો. બજાજ ઑટોનું વેચાણ નિકાસ બજારના સથવારે પાંચેક ટકા વધતાં ભાવ એક ટકો સુધરી ૯૧૨૯ થયો છે.

સરકારે સવાબે વર્ષ બાદ સ્થાનિક તેલ કંપનીઓ પરનો વિન્ડફૉલ ટૅક્સ નાબૂદ કર્યો છે. જોકે આ વિશે વિચારણા થઈ રહી હોવાની જાહેરાત ક્યારની થઈ ચૂકી હતી. સરવાળે ઑઇલ-ગૅસ શૅરોમાં એની બહુ નોંધપાત્ર અસર દેખાઈ નથી. ONGC સાધારણ સુધર્યો હતો. ઑઇલ ઇન્ડિયા સવાબે ટકા બગડ્યો છે. ભારત પેટ્રો પોણા ટકા નજીક પ્લસ તો ઇન્ડિયન ઑઇલ એટલો જ માઇનસ હતો. હિન્દુસ્તાન પેટ્રો સામાન્ય ઘટાડે બંધ થયો છે. હિન્દુસ્તાન ઑઇલ એક્સ્પ્લોરેશન એક ટકો સુધર્યો છે.

નિફ્ટી ખાતે HDFC લાઇફ પોણાત્રણ ટકા નજીક તો સેન્સેક્સમાં NTPC દોઢ ટકાની નબળાઈમાં ટૉપ લૂઝર હતા. પ્રમોટર્સ તરફથી બે ટકા જેવો માલ બ્લૉકડીલમાં વેચાયો હોવાના અહેવાલે સિપ્લા પોણાબે ટકા નજીક ઘટી ૧૫૦૮ બંધ આવ્યો છે. અન્યમાં SBI લાઇફ, બ્રિટાનિયા, હિન્દુ યુનિલીવર, ઇન્ડ્સઇન્ડ બૅન્ક, લાર્સન, કોટક બૅન્ક જેવી જાતો અડધાથી એક ટકો ઢીલી હતી. અદાણીના શૅરમાં અદાણી પોર્ટ્સ ઉપરાંત અંબુજા સિમેન્ટ્સ સવા ટકો તથા એસીસી અને અદાણી ગ્રીન સાધારણ વધ્યો હતો. સામે અદાણી ટોટલ પાંચ ટકા નજીક, અદાણી વિલ્મર સવા ટકો, NDTV સવા ટકાથી વધુ, અદાણી પાવર એક ટકો, અદાણી એનર્જી ચાર ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ સામાન્ય નરમ હતો.

stock market share market adani group nifty sensex gdp hyundai brics pakistan donald trump business news