22 November, 2024 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં શૅરબજારની તેજીમાં સેન્સેક્સ એક લાખનો આંકડો પાર કરી જાય એવી આશા વ્યક્ત થઈ રહી હતી, જ્યારે વાસ્તવમાં સેન્સેક્સ પાછળ રહી ગયો છે અને બિટકૉઇન એક લાખ ડૉલરનો આંકડો પાર કરી જાય એવું જણાઈ રહ્યું છે. હજી દસ જ દિવસ પહેલાં અંદાજ વ્યક્ત થયો હતો કે આ મહિનાના અંત સુધીમાં બિટકૉઇનનો ભાવ એક લાખ ડૉલર કરતાં વધારે થઈ જશે અને આજે ભાવ ૯૭,૧૫૦ ડૉલર સુધી તો પહોંચી ગયો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે બિટકૉઇન ૩.૨૨ ટકાની વૃદ્ધિ સાથે ૯૭,૧૫૦ ડૉલર થઈ ગયો છે. પાછલા સાત દિવસમાં આ કૉઇન ૬.૭૦ ટકાની આસપાસ વધ્યો છે. ગુરુવારે ઇથેરિયમનો ભાવ ૭.૭ ટકા વધીને ૩૩૪૮ ડૉલર થઈ ગયો હતો, જ્યારે ટોચના વધેલા અન્ય કૉઇનમાં સોલાના (૩.૫૨ ટકા), બાઇનૅન્સ (૧.૩૩ ટકા), ટ્રોન (૧.૫૭ ટકા), શિબા ઇનુ (.૦૬૫ ટકા) અને અવાલાંશ (૧.૮૩ ટકા) સામેલ હતા. કાર્ડાનો ૫.૭૦ ટકા સાથે ટોચનો ઘટનાર કૉઇન હતો. રિપલમાં પણ ૦.૨૬ ટકાનો ઘટાડો થયો હતો.
દરમ્યાન ચિલ ગાય નામનો સોલાના આધારિત મીમ કૉઇન તાજેતરના દિવસોમાં ૪૦૦૦ ગણો વધી ગયો છે. ટિક ટૉક સોશ્યલ મીડિયા પર ૨૦૨૪માં ઘણી લોકપ્રિયતા હાંસલ કરનારા પાત્ર ચિલ ગાય પર આધારિત આ કૉઇન છે. એનો ભાવ લૉન્ચિંગ વખતે માત્ર ૦.૦૦૭ ડૉલર હતો જે ૪૧૦૦ ગણો વધીને ૦.૩૦ ડૉલર થઈ ગયો છે. એનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧૯ નવેમ્બરે આશરે ૨૦ મિલ્યન ડૉલર હતું જે ૨૧ નવેમ્બર સુધીમાં ૩૦૦ મિલ્યન ડૉલર થઈ ગયું છે.