લગાતાર ચોથા વર્ષે મુકેશ અંબાણીએ નથી લીધો એક પણ રૂપિયાનો પગાર

08 August, 2024 09:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૦૮-૨૦૦૯થી ૨૦૧૯-૨૦૨૦ સુધી વાર્ષિક પગાર ૧૫ કરોડ રૂપિયા ફિક્સ કરનારા મુકેશ અંબાણીએ ૨૦૨૦-૨૦૨૧માં કોવિડ મહામારી બાદ પગાર નહીં લેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો

મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ સતત ચોથા વર્ષે પગાર લીધો નથી. ૨૦૦૮-૨૦૦૯થી ૨૦૧૯-૨૦૨૦ સુધી વાર્ષિક પગાર ૧૫ કરોડ રૂપિયા ફિક્સ કરનારા મુકેશ અંબાણીએ ૨૦૨૦-૨૦૨૧માં કોવિડ મહામારી બાદ પગાર નહીં લેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.

કંપનીના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૩-૨૦૨૪માં મુકેશ અંબાણીએ પગાર, ભથ્થાં અને સેવા-નિવૃત્તિ લાભરૂપે એક પણ રૂપિયો લીધો નથી. વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ બિઝનેસ-ટ્રિપ વખતે પત્ની અને સહાયક સાથે યાત્રા, ભોજન અને હોટેલની સુવિધા માટે થતા ખર્ચને મેળવી શકશે. કંપની તેમને બિઝનેસ માટે કાર, ઘરે કમ્યુનિકેશન સુવિધા પણ આપશે. કંપની તેમની અને પરિવારની સુરક્ષા-વ્યવસ્થાનો ખર્ચ પણ ઉપાડશે અને એને ભથ્થા તરીકે ગણવામાં નહીં આવે.

જોકે રિલાયન્સના બોર્ડમાં રહેલાં મુકેશ અંબાણીનાં ત્રણ સંતાનો ઈશા, આકાશ અને અનંતને સિટિંગ ફી અને કમિશન મળશે. તેમને પ્રત્યેકને ચાર લાખ રૂપિયાની સિટિંગ ફી અને ૯૭ લાખ રૂપિયાનું કમિશન મળ્યું છે.

૧૦૯ અબજ ડૉલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી દુનિયાની અગિયારમા નંબરની શ્રીમંત વ્યક્તિ છે. 

mukesh ambani reliance business news life masala