ભારત સરકાર હવે પ્લાસ્ટિકની ચલણી નોટો છાપશે

30 May, 2026 12:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ડિજિટલ પેમેન્ટ વધવા છતાં ચલણી નોટોની માગણી વધી

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધ્યો હોવા છતાં ચલણી નોટોની માગણી પણ એટલી જ વધી રહી હોવાથી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ ભારતમાં પૉલિમર એટલે કે પ્લાસ્ટિકની ચલણી નોટો બજારમાં મૂકવા માટેની ચર્ચાઓ ફરી શરૂ કરી છે. પટના અને મુંબઈમાં યોજાયેલી RBIની છેલ્લી બે બોર્ડ-મીટિંગમાં પૉલિમરની નોટો રજૂ કરવાના પ્રસ્તાવ પર ચર્ચા થઈ હતી. પરંપરાગત કાગળની નોટોની તુલનામાં પૉલિમરની નોટોનો ઉત્પાદનખર્ચ ઓછો છે અને એ લાંબા સમય સુધી ટકતી હોવાથી આ પગલા પર વિચારણા કરવામાં આવી રહી છે. આવી નોટો ઑટોમેટેડ ટેલર મશીન (ATM)માંથી ડિસ્પેન્સ કરી શકાય એવી બનાવવામાં આવશે. RBI પૉલિમર બૅન્કનોટ માટે એક પાઇલટ પ્રોજેક્ટ પણ તૈયાર કરી રહી છે જેની જાહેરાત નજીકના ભવિષ્યમાં થઈ શકે છે.

નોટો છાપવાના ખર્ચમાં વધારો

નાણાકીય વર્ષ ૨૦૨૫ના RBlના વાર્ષિક અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે કાગળની ચલણી નોટો છાપવાનો ખર્ચ પાછલા નાણાકીય વર્ષમાં ૫૧૦૧.૪ કરોડ રૂપિયાથી વધીને ૬૩૭૨.૮ કરોડ રૂપિયા થયો છે. આ વધારો મુખ્યત્વે બૅન્કનોટ છાપવાની માગણીમાં વધારો થવાને કારણે થયો છે.

૨૩.૮ અબજ ગંદી નોટ

RBIના અહેવાલમાં ગંદી ચલણી નોટોના નિકાલના વધતા પડકાર પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ દરમ્યાન લગભગ ૨૩.૮ અબજ ગંદી નોટો પાછી ખેંચવામાં આવી હતી, જે પાછલા વર્ષના ૨૧.૨૪ અબજ કરતાં ૧૨.૩ ટકા વધુ છે. મોટા ભાગની કાઢી નાખવામાં આવેલી નોટો ૫૦૦ રૂપિયાની હતી. ત્યાર બાદ ૧૦૦ રૂપિયાની નોટો હતી.

૧૦ અને ૨૦ રૂપિયાની નોટોની માગણી વધારે

તાજેતરનાં વર્ષોમાં ૧૦ અને ૨૦ રૂપિયાની ઓછી કિંમતની ચલણી નોટોની માગણી મજબૂત રહી છે. જોકે ચલણમાં ફરતી નોટોના મૂલ્યમાં એમનો હિસ્સો ઓછો રહ્યો છે. છેલ્લાં બે વર્ષમાં ૧૦ની નોટના મૂલ્યનો હિસ્સો માત્ર ૦.૭ ટકા હતો, જ્યારે ૨૦ની નોટના મૂલ્યનો હિસ્સો ૦.૮ ટકા હતો.

સિક્કાની માગણી ઓછી

ચલણમાં સિક્કાઓનો ઉપયોગ વધારવા માટે RBlના પ્રયાસોનું ઇચ્છિત પરિણામ મળ્યું નથી. નાણાકીય વર્ષ ૨૦૨૪માં સિક્કાઓનો પુરવઠો લગભગ ૧.૨ અબજથી વધીને નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૧.૫ અબજ થયો હતો. આમાંથી પાંચ રૂપિયાના લગભગ ૮૦ કરોડ સિક્કા અને ૨૦ રૂપિયાના ૪૦ કરોડ સિક્કા હતા.

ભૂતકાળના પ્રયાસ

૨૦૧૨માં તત્કાલીન યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA) સરકારે પાંચ શહેરોમાં ૧૦ રૂપિયાની પૉલિમર નોટનાં એક અબજ પીસ ફીલ્ડ-ટ્રાયલને મંજૂરી આપી હતી. એ સમયે સરકારે જણાવ્યું હતું કે પ્રાથમિક ઉદ્દેશ નકલી નોટોને રોકવાને બદલે નોટોની ટકાઉપણું અને શેલ્ફ-લાઇફ સુધારવાનો હતો. જોકે ટેક્નિકલ પડકારોને કારણે આ પ્રોજેક્ટ આખરે પડતો મૂકવામાં આવ્યો હતો.

reserve bank of india indian rupee digital payment business news