18 January, 2025 08:02 AM IST | Mumbai | Kanu J Dave
બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
શુક્રવારે મિડકૅપ સ્મૉલકૅપનો દેખાવ થોડોક સારો હતો. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ ગુરુવારના 64,564ના બંધ સામે 64,616ના સ્તરે ખૂલી 65,250 અને 64,251 વચ્ચે રમી 0.76 ટકા, 489 પૉઇન્ટ્સ વધી 65,053 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સના હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ, મેક્રોટેક ડેવલપર્સ (લોઢા), એબીબી અને ગોદરેજ કન્ઝ્યુમર 3થી 5 ટકાના સુધારા સાથે અનુક્રમે 4120, 1179, 1190 રૂપિયા બંધ રહ્યા હતા. સામે વરુણ બિવરેજિસ પોણાત્રણ ટકા ઘટી 559 રૂપિયા પર આવી ગયો હતો. નિફ્ટી મિડકૅપ સિલેક્ટ 12,218 વાળો 12,234 ઓપન થઈ 12,288-12,147ની રેન્જમાં રમી છેવટે પા ટકો વધી 12,249 આસપાસ હતો. આ ઇન્ડેક્સના પ્રતિનિધિ શૅરોની મૂવમેન્ટ +2.78 ટકાથી -1.90 ટકાની રેન્જમાં હતી એમાં ઇન્ડ્સ ટાવરનો ઉલ્લેખ કરવો ઘટે. આ શૅર 2.78 ટકા સુધરી 364 રૂપિયા બંધ હતો. નિફ્ટી પ્રમાણમાં મધ્યમગામી રહીને અડધો ટકો ઘટીને 23,203 બંધ હતો. આ ઇન્ડેક્સને ઓછું ડૅમેજ થવાનું કારણ રિલાયન્સમાં સારાં પરિણામો પછી આવેલો પોણાત્રણ ટકાનો સુધારો હતો. છેલ્લે રિલાયન્સ 1300 આસપાસ હતો. એથી વિપરિત ઇન્ફોસિસમાં પરિણામો પછી આવેલો અંદાજે પોણાછ ટકાનો ઘટાડો અને ઍક્સિસ બૅન્કમાં પણ રિઝલ્ટ પછીના શુક્રવારના સેશનમાં જોવાયેલા સાડાચાર ટકાના ઘટાડાએ નિફ્ટીને નીચે રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ બન્ને શૅરો અનુક્રમે 1817 રૂપિયા અને 992 રૂપિયાની સપાટીએ બંધ હતા. નિફ્ટી બૅન્ક અને નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ દોઢ-દોઢ ટકો તૂટી અનુક્રમે 48,540 અને 22,608ની સપાટીએ બંધ રહ્યા હતા. નિફ્ટી બૅન્કનો કોટક બૅન્ક અઢી ટકા ઘટી 1759 રૂપિયા આસપાસ બોલાતો હતો. આઇસીઆઇસીઆઇ અને ફેડરલ બૅન્ક બબ્બે ટકા ઘટી અનુક્રમે 1225 રૂપિયા અને 191 રૂપિયાના સ્તરે બંધ હતા. ફાઇનૅન્શ્યલ સર્વિસિસનો શ્રીરામ ફાઇનૅન્સ પોણાચાર ટકા તૂટી 526 રૂપિયા આસપાસ હતો.
આંતરરાષ્ટ્રીય સમાચારોમાં ટ્રમ્પની ટૅરિફનો ડર લગભગ બધા દેશોને સતાવવા લાગ્યો છે. તેમની શપથવિધિ સોમવારે છે અને એ દિવસથી જ ધડાકા થવાનો ડર તેમના પાડોશી દેશોમાં વધતો જાય છે. બૅન્ક ઑફ કૅનેડાના ડેપ્યુટી ગવર્નર ટોની ગ્રેવેલે જણાવ્યું હતું કે કૅનેડાથી થતી નિકાસો પરની સંભવિત ટ્રમ્પ ટૅરિફની ભારે નકારાત્મક અસર થશે. ડોનલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ કોને-કોને ચિંતા કરાવે છે? થોડા દિવસ પહેલાં જ વિવાદાસ્પદ શૉર્ટ સેલર હિંડનબર્ગના શટર ડાઉન થઈ ગયા છે. અચાનક લેવાયેલા આ નિર્ણયથી અનેક શંકા-કુશંકાઓ ઊભી થઈ છે. જાણકારો હિંડનબર્ગને જ્યૉર્જ સોરોસ અને ડીપ સ્ટેટ સાથે જોડી રહ્યા છે. આઉટગોઇંગ યુએસ રાષ્ટ્રપતિ નિવૃત્તિના થોડા દિવસો પહેલાં ભારત વિરોધી જ્યૉર્જ સોરોસને અવૉર્ડ આપી રહ્યા છે, તો અન્ય એક કુખ્યાત શૉર્ટ સેલર હિંડનબર્ગ રાષ્ટ્રપતિ બાઇડેનની વિદાય પૂર્વે જ ઉતાવળે દુકાન બંધ કરી છે. આ ઘટનાઓમાં રીડિંગ બિટવિન ધ લાઇન્સ ઘણું કહી જાય છે. જુલાઈ ૨૦૨૪માં સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)ને પુરાવા મળ્યા કે હિંડનબર્ગે એકમાત્ર ક્લાયન્ટ કિંગડન કૅપિટલ માટે રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો જેનો તથાકથિત ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંબંધ છે. SEBIએ યુએસસ્થિત શૉર્ટ સેલર સામે મજબૂત કેસ બનાવ્યો છે જેમાં તેના પર અપ્રકાશિત, ભાવ-સંવેદનશીલ માહિતી પર વેપાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હિંડનબર્ગના નિશાને એકમાત્ર અદાણી જ નહોતા. ટ્વિટરના સંપાદન દરમ્યાન ઇલૉન મસ્ક અને અબજોપતિ રોકાણકાર કાર્લ ઇકાન (બન્ને ડોનલ્ડ ટ્રમ્પના અગ્રણી સમર્થકો) પર પણ હિંડનબર્ગે નિશાન સાધ્યું હતું. હવે ટેબલ ટર્ન થઈ જતાં અને મસ્કની નજીક સત્તા આવી જતાં, મનઘડંત માહિતીના આધારે લાંબા સમયથી ચાલતા આરોપો સાથે કંપની અને તેના વિવાદાસ્પદ સંસ્થાપક નાથન ઍન્ડરસન હવે તપાસ હેઠળ છે. ઍન્ડરસન જાહેરમાં દેખાવાનું ટાળી રહ્યા છે એનાથી શંકાઓ વધી રહી છે. તેઓ જ્યૉર્જ સોરોસ અને ડીપ સ્ટેટના મોરચે કામ કરી રહ્યા હોવાની અટકળો પણ સેવાઈ રહી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં એક ઇઝરાયલી અહેવાલમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે સોરોસ અને ડીપ સ્ટેટ પાછળ ચીની હિતો ખાસ હતાં. ખાસ કરીને તેઓ ભારતના ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) પહેલનો વિરોધ કરતા હતા. હિંડનબર્ગ રિપોર્ટ પ્રકાશિત થયાના થોડા દિવસો પહેલાં જ અદાણી જૂથ દ્વારા ઇઝરાયલનું હાઇફા બંદર હસ્તગત કરવામાં આવ્યું હતું. આ વેપાર માર્ગને ચીનના બેલ્ટ ઍન્ડ રોડ પહેલના સીધા વિરોધી તરીકે જોવામાં આવે છે. ટૂંકમાં મસ્ક ટ્રમ્પની નજીક છે અને ભારતમાં અદાણી કોની નજીક છે એ સર્વ વિદિત છે, એથી હિંડનબર્ગના કેસમાં દુશ્મનનો મિત્ર એ મારો પણ મિત્ર એ ન્યાય પ્રવર્ત્યો છે.
સમાચારમાં આ શૅરો...
બીપીસીએલને 31,802 કરોડ રૂપિયાની લોન એસબીઆઇની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ તરફથી મળી છે. નિફ્ટીના આ શૅરનો ભાવ 2.68 ટકા વધી 274 રૂપિયા બંધ હતો.
મોદીજીની વધુ એક આર્થિક આગાહી
ઘરઆંગણે નવી દિલ્હી ઑટો શો પ્રસંગે બોલતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે ઈવી વાહનોનું વેચાણ 8 ટકા વધવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. નિફ્ટી ઑટો ઇન્ડેક્સ 0.31 ટકા ઘટી 22,791ના સ્તરે વિરમ્યો એના ટીવીએસ મોટર્સ 1.14 ટકા વધી 2304, હીરો મોટોકૉર્પ 0.36 ટકા વધી 4088, તાતે મોટર્સ 0.72 ટકા વધી 780 અને મધરસન 1.54 ટકા વધી 151 રૂપિયા થઈ ગયા હતા. ટીવીએસ મોટર્સમાં મોરોક્કો બજારમાં પ્રવેશવા થયેલા કરારના સમાચાર હતા. જોકે મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર 1.95 ટકા ઘટી 2922 રૂપિયાના સ્તરે વિરમ્યો હતો.
બજેટ આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સરકાર કન્સેશનલ કૉર્પોરેટ ટૅક્સ રેટ ફરી લાવવા વિચારી રહી હોવાના અહેવાલો મીડિયામાં વહેતા થયા છે. ભૂતકાળમાં નવા મૅન્યુફૅક્ચરિંગ યુનિટો માટે 15 ટકાના રાહતના દરે ટૅક્સ લેવાની યોજના અમલમાં હતી, હવે એને 18 ટકાના દર સાથે ફરીથી લાવવાની ચર્ચા થવા લાગી છે. આ પગલું સ્થાનિક ઉત્પાદનની વૃદ્ધિ માટે પ્રોત્સાહક બની રહેશે અને ખાસ કરીને જેમના મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ ઊભા થઈ રહ્યા છે એવી કંપનીઓને ફાયદો થશે. નિફ્ટી ઇન્ડિયા મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડેક્સ 0.85 ટકા વધી 13,507 રહ્યો હતો. આ ઇન્ડેક્સનો હિન્દુસ્તાન કૉપર 6.13 ટકા પ્લસ થઈ 245 રૂપિયા અને હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ 5.14 ટકા વધી 4120 રૂપિયા બંધ હતા.
આ આઇપીઓનું આજે ઓપનિંગ
ઈએમએ પાર્ટનર્સ ઇન્ડિયાનો 117-127 રૂપિયાની પ્રાઇસ બેન્ડવાળો આઇપીઓ આજે ખૂલશે. ઈએમએ પાર્ટનર્સ ઇન્ડિયા લિમિટેડ એનએસઈના ઇમર્જ પ્લૅટફૉર્મ ઉપર એના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા 76 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે 17 જાન્યુઆરી, 2025ના રોજ મૂડીબજારમાં પ્રવેશી છે. આઇપીઓ 53,34,000 ઇક્વિટી શૅર્સનો ફ્રેશ ઇશ્યુ છે, જે 66.14 કરોડ રૂપિયાનો છે તથા પ્રમોટર સેલિંગ શૅરહોલ્ડર્સ ક્રિષ્ણન સુદર્શન અને સુબ્રમણિયમ ક્રિષ્નાપ્રકાશ અને વ્યક્તિગત સેલિંગ શૅરહોલ્ડર શેખર ગણપતિ દ્વારા 7 લાખ 96 હજાર ઇક્વિટી શૅરની ઑફર ફૉર સેલ સામેલ છે.