કઝાખસ્તાનમાં વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જોમાં બૅન્કિંગ મારફત નાણાં મોકલવા પર નિયંત્રણ લાગુ કરાશે

18 October, 2024 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પ્રસ્તાવ મુજબ સ્થાનિક નાણાકીય કેન્દ્રમાં નોંધણી કરાવી ન હોય એવાં વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જોમાં નાણાં ટ્રાન્સફર થઈ શકે નહીં એવી વ્યવસ્થા કરવાનું બૅન્કોને કહેવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

કઝાખસ્તાનની નાણાકીય બજારોના વિકાસ માટેની નિયમનકાર સંસ્થાએ વિદેશનાં ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જોમાં બૅન્કિંગ મારફત નાણાં મોકલવાની વ્યવસ્થા નિયંત્રિત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ મુજબ સ્થાનિક નાણાકીય કેન્દ્રમાં નોંધણી કરાવી ન હોય એવાં વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જોમાં નાણાં ટ્રાન્સફર થઈ શકે નહીં એવી વ્યવસ્થા કરવાનું બૅન્કોને કહેવામાં આવશે. નિયમનકારે એવો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે કે ૨૧ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ ઑનલાઇન કસીનોનો ઉપયોગ કરી શકે નહીં એવું પગલું પણ ભરવામાં આવશે.

ઉક્ત મુસદ્દામાં કહેવાયું છે કે નોંધણી કરાવાયા વગરનાં ક્રિપ્ટો એક્સચેન્જોમાં દર મહિને એક લાખ ટેંગી (આશરે ૨૦૫ ડૉલર) કરતાં વધુ નાણાં ટ્રાન્સફર કરવા દેવાય નહીં એવું બૅન્કોને કહેવામાં આવશે. એનાથી વધુ રકમ હશે તો દરેક પ્રકારનાં ક્રિપ્ટો એક્સચેન્જો માટે ચાંપતી નજર રાખવામાં આવશે.

બીજી બાજુ, કઝાખસ્તાને અસ્તાનાના નાણાકીય કેન્દ્રમાં સર્વિસિસ પૂરી પાડનારાં ક્રિપ્ટો એક્સચેન્જોને જ મંજૂરી આપવાનું નક્કી કર્યું છે. દેશમાં બાઇનૅન્સ અને બાયબિટ સહિતનાં દસ નિયમનબદ્ધ ક્રિપ્ટો એક્સચેન્જો છે.

દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે નફો અંકે કરાવાને લીધે ટોચના કૉઇનના ભાવમાં સાધારણ ઘટાડો થયો હતો. બિટકૉઇન ૦.૯૧ ટકા ઘટીને ૬૭,૧૩૪ ડૉલર ટ્રેડ થઈ રહ્યો હતો. ઇથેરિયમમાં ૦.૬૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે બાઇનૅન્સ ૦.૯ ટકા, સોલાના ૧.૬૬ ટકા, ડોઝકૉઇન ૨.૯૫ ટકા, કાર્ડાનો ૩.૭૯ ટકા, અવાલાંશ ૧.૫ ટકા અને શિબા ઇનુ ૪.૭૯ ટકા ઘટ્યા હતા. 

business news crypto currency kazakhstan