11 January, 2023 04:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચીફ ઇકૉનૉમિક ઍડ્વાઇઝર વી. અનંત નાગેશ્વર
મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને સોમવારે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩ના અંત સુધીમાં ભારતીય અર્થતંત્ર ત્રણ ટ્રિલ્યન અમેરિકન ડૉલરનું થશે અને આગામી ૭ વર્ષમાં એ વધીને સાત ટ્રિલ્યન ડૉલર થવાની ધારણા છે.
સરકારે અગાઉ કહ્યું હતું કે ભારત ૨૦૨૫ સુધી પાંચ ટ્રિલ્યન ડૉલરની અર્થવ્યવસ્થા બની જશે. એમસીસીઆઇ દ્વારા આયોજિત સત્રમાં બોલતાં નાગેશ્વરને વર્ચ્યુઅલ રીતે કહ્યું કે કૅલેન્ડર વર્ષ ૨૦૨૩ રશિયા અને યુક્રેન વચ્ચે સતત સંઘર્ષના સંદર્ભમાં શરૂ થયું છે, જે ‘ભૌગોલિક-રાજકીય અને ભૌગોલિક-આર્થિક અનિશ્ચિતતાઓનું નિર્માણ કરશે. અન્ય મુખ્ય પાસું એ છે કે રોગચાળાનાં બે વર્ષ પછી ચીનનું ખુલ્લું પડવું અને એની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસર, ખાસ કરીને ક્રૂડ તેલ અને કૉમોડિટીના ભાવમાં ઘટાડો અને અમેરિકા તથા યુરોપનાં અદ્યતન અર્થતંત્રોના વિકાસ પર એની અસર પડી હતી.
આ સંદર્ભમાં ભારતીય અર્થવ્યવસ્થા માર્ચ ૨૦૨૩ના અંતમાં ત્રણ ટ્રિલ્યન ડૉલર અને આગામી ૭ વર્ષમાં ૭ ટ્રિલ્યન ડૉલરના કદની હશે, જે અશક્ય નથી એમ નાગેશ્વરને કહ્યું હતું.