14 December, 2025 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)એ સંચાર મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઑફ પોસ્ટ (DoP) સાથે એક મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતી-કરાર હેઠળ ઇન્ડિયા પોસ્ટના વિશાળ નેટવર્ક મારફત મ્યુચ્યુઅલ ફન્ડ પ્રોડક્ટ્સનું વિતરણ કરવામાં આવશે.
આ વ્યૂહાત્મક ભાગીદારીનો હેતુ ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ખાસ કરીને પોસ્ટ ડિપાર્ટમેન્ટની ફિઝિકલ પહોંચનો લાભ લઈને અને BSEના સ્ટાર MF પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને નાણાકીય સર્વસમાવેશને વધુ ગાઢ બનાવવાનો છે.
આ કરાર હેઠળ પોસ્ટ વિભાગના પસંદ કરાયેલા કર્મચારીઓ અને એજન્ટોને તાલીમ આપીને પ્રમાણિત મ્યુચ્યુઅલ ફન્ડ વિતરકો તરીકે ઑનબોર્ડ કરવામાં આવશે, જેથી તેઓ BSEના સ્ટાર MF પ્લૅટફૉર્મ મારફત મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓ અને રોકાણકાર સર્વિસિસ પ્રદાન કરી શકે. આ MoU ૧૨ ડિસેમ્બર ૨૦૨૫થી ૩ વર્ષ માટે માન્ય રહેશે અને એને લંબાવી પણ શકાશે.
લાખો નાગરિકો સુધી પહોંચવાની તક
આ પ્રસંગે BSEના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુંદરરમણ રામમૂર્તિએ જણાવ્યું હતું કે ‘ભારત સરકારે ઇન્ડિયા પોસ્ટની ભૂમિકાને સર્વસમાવેશી વિકાસના પ્રેરક તરીકે પુનઃ પરિભાષિત કરવાનું વિઝન રજૂ કર્યું છે એ માટે તેમનો આભાર માનવો રહ્યો. ટપાલ વિભાગ સાથેનો આ સહકાર અમારા માટે નાણાકીય પ્રોડક્ટ્સની પહોંચને સર્વસુલભ બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પડાવ છે. BSEના ટેક્નૉલૉજી આધારિત પ્લૅટફૉર્મ અને ઇન્ડિયા પોસ્ટની અદ્વિતીય ફિઝિકલ હાજરી સાથે લાખો નાગરિકોને રોકાણ તકો અને નાણાકીય સક્ષમતા પૂરી પાડવાનો અમારો હેતુ છે.’