ક્રિપ્ટો એક્સચેન્જ એફટીએક્સના ક્રેડિટર્સને ૧૬.૫ બિલ્યન ડૉલર પાછા મળવાની શક્યતા ઊભી થઈ છે

09 October, 2024 09:06 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં સોમવારે મંજૂર થયેલા બૅન્કરપ્ટસી પ્લાન હેઠળ આ રકમ પાછી આપવામાં આવશે. એક્સચેન્જ નવેમ્બર ૨૦૨૨માં નાદાર થયું હતું અને લાખો ગ્રાહકોએ નાણાં ગુમાવ્યાં હતાં.

ક્રિપ્ટોકરન્સી

ફડચામાં ગયેલા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ – એફટીએક્સના ક્રેડિટર્સને ૧૬.૫ બિલ્યન ડૉલર પાછા મળવાની શક્યતા ઊભી થઈ છે. અમેરિકામાં સોમવારે મંજૂર થયેલા બૅન્કરપ્ટસી પ્લાન હેઠળ આ રકમ પાછી આપવામાં આવશે. એક્સચેન્જ નવેમ્બર ૨૦૨૨માં નાદાર થયું હતું અને લાખો ગ્રાહકોએ નાણાં ગુમાવ્યાં હતાં. એના ભૂતપૂર્વ વડા સામ બૅન્કમૅન-ફ્રાઇડને ગ્રાહકોનાં નાણાંની ઉચાપત બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને પચીસ વર્ષની કેદ સુણાવાઈ હતી. ક્રેડિટર્સને નાણાં પાછાં આપવાના પ્લાનની જાહેરાત બાદ ૬૦ દિવસ પછી નાણાં પરત મળશે. પ્લાન જાહેર થવાની તારીખ હજી નક્કી થઈ નથી. નોંધનીય છે કે સરકાર સિવાયના ક્રેડિટર્સને તેમના દાવાની રકમ ઉપરાંત વ્યાજ પણ મળશે. આમ, ૧૦૦ ટકાને બદલે ૧૧૯ ટકા રકમ પાછી મળશે. 

અહીં એ જણાવવું રહ્યું કે રોકડમાં નાણાં પાછાં મળે એમાં નુકસાન છે, કારણ કે જો ક્રિપ્ટોકરન્સી સ્વરૂપે રકમનું મૂલ્ય આજની તારીખે વધારે હોત. બિટકૉઇનનું મૂલ્ય નવેમ્બર ૨૦૨૨ની તુલનાએ ત્રણ ગણા કરતાં વધારે થઈ ગયું છે. 

દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે ઘટાડો નોંધાયો હતો. બિટકૉઇન ૧.૧૮ ટકા ઘટીને ૬૨,૭૯૬ ડૉલરના સ્તરે હતો. ઇથેરિયમમાં ૧.૮૪ ટકા ઘટાડા સાથે ભાવ ૨.૪૪૦ ડૉલર હતો. સોલાનામાં ૨.૪૧ ટકા, એક્સઆરપીમાં ૨.૧૨ ટકા, ડોઝકૉઇનમાં ૪.૩૮ ટકા, ટોનકૉઇનમાં ૧.૨૮ ટકા, કાર્ડાનોમાં ૨.૪૨ ટકા અને અવાલાંશમાં૨.૫૧ ટકા ઘટાડો થયો હતો. ટ્રોન ૦.૪૧ ટકા અને બીએનબી ૦.૧૩ ટકા વધ્યા હતા.

crypto currency bitcoin united states of america business news