વર્ષ ૨૦૨૫માં ક્રિપ્ટોકરન્સી માર્કેટ નવા શિખરે પહોંચવાની બાઇનૅન્સના સીઈઓને આશા

23 January, 2025 09:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્ષ ૨૦૨૫માં ક્રિપ્ટો માર્કેટ નવા શિખરે પહોંચશે એવો આશાવાદ બાઇનૅન્સ એક્સચેન્જના સીઈઓ રિચર્ડ ટેંગે વ્યક્ત કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના વડપણ હેઠળની સરકારમાં ક્રિપ્ટોકરન્સી માટે સકારાત્મક નિયમનકારી વાતાવરણ તૈયાર થઈ રહ્યું હોવાથી વર્ષ ૨૦૨૫માં ક્રિપ્ટો માર્કેટ નવા શિખરે પહોંચશે એવો આશાવાદ બાઇનૅન્સ એક્સચેન્જના સીઈઓ રિચર્ડ ટેંગે વ્યક્ત કર્યો છે.

ટેંગે સીએનબીસી સાથેની વાતચીતમાં કહ્યું છે કે ‘અમેરિકામાં ક્રિપ્ટો માટે વધુ સ્પષ્ટ ધારાધોરણો ઘડાઈ રહ્યાં છે. આગામી સમયમાં અમેરિકામાં ટોકન, ટ્રેડિંગ અને ઍસેટ મૅનેજમેન્ટ એ બધા મોરચે પ્રગતિ થવાની સંભાવના છે. વળી, પહેલાંની તુલનાએ અમેરિકન સંસદનાં બન્ને ગૃહો ક્રિપ્ટોતરફી છે. આવામાં સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન તથા કૉમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશન (સીએફટીસી)માં ક્રિપ્ટોતરફી કમિશનરોની નિમણૂક કરવામાં આવશે. 

દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. માર્કેટ કૅપિટલાઇઝેશન ૧.૨૩ ટકા વધ્યું હતું, જ્યારે બિટકૉઇન ૦.૩૧ ટકા વધ્યો હતો અને ઇથેરિયમ ૦.૪૦ ટકા ઘટ્યો હતો. એક્સઆરપીમાં ૨.૧૭ ટકાની વૃદ્ધિ અને ડોઝકૉઇનમાં ૩.૨૦ ટકાનો ઘટાડો નોંધાયા હતા. વધેલા અન્ય કૉઈનમાં સોલાના ૭.૨૧ ટકા અને બીએનબી ૧.૦૩ ટકા સામેલ હતા. 

business news crypto currency bitcoin