10 September, 2024 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બર્નસ્ટેન નામની ઍસેટ મૅનેજમેન્ટ કંપનીએ કહ્યું છે કે જો અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પ પ્રમુખપદે આવશે તો બિટકૉઇનમાં તેજી આવીને એનો ભાવ આ વર્ષના અંત સુધીમાં ૮૦,૦૦૦-૯૦,૦૦૦ ડૉલરની રેન્જમાં આવી જશે. આ કંપનીએ એમ પણ કહ્યું છે કે જો કમલા હૅરિસ પ્રમુખપદની ચૂંટણી જીતી જશે તો બિટકૉઇનનો ભાવ ઘટીને ૩૦,૦૦૦ ડૉલર સુધી પહોંચી જશે.
દરમ્યાન નાઇજીરિયાનું સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશન નિયમન વગરના ક્રિપ્ટોકરન્સી વ્યવહારો કરનારા બિઝનેસ તથા વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરવા ધારે છે. કમિશનના ડિરેક્ટર જનરલ એમોમોટિમી અગામાએ જાહેર કર્યું છે કે ક્રિપ્ટો ઉદ્યોગના રોકાણકારોના રક્ષણ માટે આ પગલું ભરવામાં આવશે. નોંધનીય છે કે હાલ નાઇજીરિયામાં બુશા ડિજિટલ અને ક્વિડેક્સ ટેક્નૉલૉજીઝ નામનાં ફક્ત બે સ્થાનિક ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ મંજૂરીપ્રાપ્ત છે. સરકારે યુવા નાગરિકોનો ડિજિટલ ઍસેટ્સમાં વધી રહેલો રસ જોતાં આ એક્સચેન્જોને મંજૂરી આપી છે.
બીજી બાજુ, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે સાર્વત્રિક સુધારો નોંધાયો હતો. બિટકૉઇન ૨.૬ ટકા વધીને ૫૫,૫૬૦ ડૉલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. ઇથેરિયમ ૧.૫ ટકા, બાઇનૅન્સ ૧.૫૯ ટકા, સોલાના ૦.૬૫ ટકા, રિપલ ૧.૦૮ ટકા, ડોઝકૉઇન ૩.૧૭ ટકા, કાર્ડાનો ૨.૩ ટકા, અવાલાંશ ૪.૬ ટકા અને ટ્રોન ૧.૪૫ ટકા વધ્યા હતા.