મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા સાઈ લીલા વેલ્ફેર ટ્રસ્ટના ઝરૂખોના સહયોગમાં બોરીવલીમાં એક સરસ મજાનો કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં વરિષ્ઠ કલાકાર અરવિંદ વેકરિયા, એવા જ બીજા નિવડેલા કલાકાર અનુરાગ પ્રપન્ન્ન સાથે કવિ લેખક નાટ્યકાર દિલીપ રાવલે રસપ્રદ વાતો કરી. અરવિંદભાઈએ કહ્યું કે પાંચ દાયકા અગાઉ નાટ્ય કલાકારોએ સંઘર્ષ કરવો પડતો હતો . ફક્ત અભિનયથી જીવનનૈયા ન ચાલતી.એક બાજુ આજીવીકા માટે બેંક જેવી નોકરી હોય અને પછી સાંજના નાટકના શૉ કરવાના હોય ! એમાં પણ ક્યારેક બહારગામના શૉ આવે તો ઑફિસમાં બીમારીની રજા મૂકીને બહારગામ જવું પડે .એમાં વળી ઓફિસની એકાદ વ્યક્તિ બહારગામના શૉની જાહેરાતનું કટીંગ લાવીને બોસ પાસે મૂકે ત્યારે બહુ કફોડી પરિસ્થિતિ ઉભી થતી ! અનુરાગભાઈએ પણ એમની વાતમાં સુર પુરાવ્યો. નોકરી છોડી નાટ્યક્ષેત્રે ઝંપલાવવા માટે નીરજ વોરાએ એમને પ્રોત્સાહન આપ્યું હતું એ વાત એમણે યાદ કરી હતી. અરવિંદભાઈએ એક પ્રસંગ ટાંક્યો કે એક નાટકમાં સંવાદ બોલી તેઓ મંચ પરથી બહાર એક્ઝીટ લે છે ત્યારે તાળીઓથી લોકો એમને વધાવી લે છે . બેકસ્ટેજમાં દિગ્ગજ દિગ્દર્શક કાંતિ મડિયા એમની પાસે આવ્યા અને કહ્યું, ' એ જાડિયા! તેં શું કર્યું ? ' અરવિંદભાઈએ પૂછ્યું , ' કેમ , બરોબર ન થયું ? ઑડિયન્સની તાળીઓ તો આવી! ' કાંતિ મડિયા કહે, ' ના, તાળીઓ ન આવવી જોઈએ! આ કરુણ દ્રશ્ય છે , એમાં તાળી ન હોય ! એમાં તો લોકોના હાથ આંખ લૂછવા માટે રોકાયેલા હોવા જોઈએ ! '
દિલીપ રાવલે ખાસ ઉલ્લેખ કર્યો કે અરવિંદ વેકરિયા પાસે ઘણા બધા નાટ્યનિર્માતા પોતાના નાટકનું નામ નક્કી કરાવવા માટે આવતા હોય છે . કાંતિ મડિયાનાં નાટકોનાં કાવ્યમય નામને પણ એમણે યાદ કર્યાં.અરવિંદભાઈએ પછી એક ઉદાહરણ પણ આપ્યું. એમણે કહ્યું કે લાલુ શાહનું 'સિંદૂર' નામનું નાટક હતું એ પછી 'કોઠાની કબૂતરી' ના નવા નામે વધારે હીટ ગયું. એ સમયે એવો હતો કે જ્યારે એક રંગકર્મી બીજા રંગકર્મીનું નાટક જોવા આવે અને એમાં કંઈક સુધારા વધારા કરવા જેવા હોય તો નિખાલસતાથી ચર્ચા પણ કરતાં , જે હવે આજે ઓછું જોવા મળે છે. તમારા પ્રિય દિગ્દર્શક કોણ એ પ્રશ્નના જવાબમાં અરવિંદ વેકરિયાએ શૈલેષ દવેનું નામ આપ્યું હતું. અનુરાગ પ્રપન્ને જૂના સંસ્મરણ વાગોળતાં કહ્યું કે એક નાટકમાં સાસુ તરીકે સંગીતા જોશી હતાં . ખૂબ વરસાદ હોવાને કારણે અને બાય રોડ આવી રહ્યાં હતાં તેથી તેઓ ઘાટકોપર સમયસર ન પહોંચી શક્યાં .એ જ નાટકમાં ત્રણ પુત્રવધૂનાં પાત્ર હતાં .એમાંની એકે કલાકારે કહ્યું કે મને આ ડાયલોગ યાદ છે અને હું એ પાત્ર ભજવી લઈશ. એટલે ઓડિટોરિયમમાં જાહેરાત કરવામાં આવી કે નાટકમાં પહેલા અંકમાં જ્યાં સુધી સાસુના રોલ માટે સંગીતાબેન ના આવે ત્યાં સુધી બીજી એક કલાકાર પાત્ર ભજવશે અને પ્રેક્ષકોએ કહ્યું કે કંઈ વાંધો નહીં અને ઇન્ટરવલ સુધી પુત્રવધુએ સાસુનો રોલ ભજવ્યો અને ઇન્ટરવલ બાદ સંગીતાબેન પહોંચ્યાં એટલે ત્યાર બાદ સાસુ બદલાઈ ગયાં !
દિલીપ રાવલે પણ એક પોતાનું સંસ્મરણ તાજું કર્યું કે એક ઠેકાણે મારું કરુણ દ્રશ્ય હતું પરંતુ મારી એન્ટ્રી સાથે જ લોકો ખડખડાટ હસ્યા .એમણે જ્યારે ડાયલોગ ડિલિવરી કરી ત્યારે એ કરુણ ડાયલોગમાં પણ લોકો હસ્યા એટલે દિલીપ રાવલે પછીના શોમાં ઇમ્પ્રોવાઇઝ કર્યું કે પ્રથમ ડૂસકું નાખ્યું અને પછી ડાયલોગ બોલ્યા છતાં લોકો હસ્યા! એટલે લોકોની અપેક્ષા એક કલાકાર પાસે જે હોય એમાં બદલાવ લાવવો ઘણી વખત અઘરો થઈ જતો હોય છે . દિલીપ રાવલે બીજો એક પ્રસંગ ટાંક્યો કે એક ઠેકાણે હોમી વાડિયાના નાટકમાં સેટ મોડો પહોંચ્યો અને નાટક ચાલુ થવાનો સમય થઈ ગયો હતો. અડધા કલાક બાદ એ સેટ પહોંચ્યો ત્યારે પ્રેક્ષકોએ હાથ આપીને સેટ સ્ટેજ પર લાવીને મૂક્યો જેથી ઝડપથી નાટક શરૂ થઈ શકે .આવી ખેલદિલી પણ પ્રેક્ષકો ઘણીવાર દેખાડતા હોય છે. અરવિંદ વેકરિયાએ એક પ્રસંગ ટાંક્યો.એક નાટકમાં મોગલકાળનું દ્રશ્ય હતું અને એમાં નિર્માતાએ ખર્ચો ઓછો કરવા માટે થાળીમાં પાનના બીડાં ઓછાં કરાવ્યાં અને ફક્ત બે બીડાં રાખ્યાં . નાયિકાને સૂચના હતી કે એક પાન અરવિંદભાઈ ઉપાડશે અને બીજું પ્રતાપભાઈ ઉપાડશે .જ્યારે પાનનાં બીડાં લઈને નાયિકા આવે છે ત્યારે એક કલાકારે ભૂલમાં પાનનું બીડું થાળીમાંથી ઉપાડયું .નાયિકાએ તીરછી નજરે જોયું એટલે એણે બીડું પાછું થાળીમાં મૂકી દીધું અને કહ્યું 'સોરી'! મોગલકાળનાં નાટકમાં 'સોરી 'શબ્દ વપરાય એ પણ એક જાતનો 'ભગો'! અનુરાગ પ્રપન્ને નાટક સિવાય, ભવાઈના પોતાના અનુભવો પણ ટાંક્યા. એમણે કહ્યું કે ભવાઈમાં ચોથી દિવાલ નથી હોતી.
નાટકમાં કલાકાર શ્રોતા સાથે વાત નથી કરતાં પણ ભવાઈમાં કલાકાર શ્રોતાઓ સાથે વાત કરતાં હોય છે . ભવાઈનાં કલાકારને અભિનય ઉપરાંત ગાતાં અને નૃત્ય કરતાં પણ આવડવું જોઈએ . ભવાઈના કલાકારનું ત્રણેય કલામાં પારંગત હોવું જરૂરી છે. ' રંગભૂમિની ખાટી મીઠી 'આ કાર્યક્રમમાં આખો હોલ શ્રોતાઓથી છલોછલ ભરાયેલો હતો .આ કાર્યક્રમની પરિકલ્પના અને સંકલન સંજય પંડ્યાનાં હતાં. પ્રોફેસર અશ્વિન મહેતા, જૂની ફિલ્મોના સંશોધક હાર્દિક ભટ્ટ, કવિ વિજય કોઠારી, કવયિત્રી પ્રતિમા પંડ્યા, સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટના પ્રકાશ ભટ્ટ, અકાદમી સભ્ય નિરંજન પંડ્યા તથા પ્રોફેસર દિપ્તી બૂચ ઉપરાંત અનેક નાટ્યરસિકોએ હાજરી આપી હતી