નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાની નવલકથાઓ વર્ષ ૧૯૬૦થી ૧૯૮૦ના બે દસકામાં યુવાન હૈયાંનાં હૃદય પર રાજ કરતી. એમની અનેક નવલકથાઓમાં સામાજિક મુદ્દા તેઓએ પ્રણયકથા સાથે સાંકળીને એમણે રજૂ કર્યા છે. જનસત્તા, લોકસત્તા, પ્રતાપ, ફૂલછાબ, જન્મભૂમિ, જનશક્તિ, અભિયાન, યુવદર્શન એવાં કેટલાંય અખબાર અને સામાયિકોમાં એમની નવલકથાઓ ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થતી રહેતી હતી. પ્રવાહી શૈલી, પ્લોટની વિવિધતા, વિવિધ લોકાલ, રાજકારણી, પત્રકાર, સંતથી માંડીને મજબૂરીથી દેહવિક્રય કરતી નારી સુધીનાં તેઓએ સર્જેલા પાત્રો વાચકોને જકડી રાખતાં. આદિવાસી વિસ્તારમાં ચાલતી વટાળ પ્રવૃત્તિ હોય કે રજનીશ આશ્રમની સાધના પધ્ધતિ હોય કે સામુદ્રિકશાસ્ત્ર હોય , વિઠ્ઠલભાઈએ વિવિધ વિષયોને પોતાની નવલકથામાં આવરી લીધાં છે.
એક નવલકથામાં જૈન યુવતી સાધ્વી બન્યા પછી કેટલાક અંગત કારણોસર ફરી સામાન્ય જીવનમાં પાછી ફરે છે એ મનોમંથન પણ એમણે ગરિમાપૂર્ણ રીતે આલેખ્યું. વિધવા વિવાહને પણ એમણે નવલકથાનો વિષય બનાવ્યો. ચંદ્રકાંત બક્ષી જેવા સર્જકે પણ કહ્યું હતું કે વિઠ્ઠલ પંડ્યા અને સારંગ બારોટ બે કલમજીવી લેખકો છે.આ બંને માટે મને અઢળક માન છે અને એમની વિરુધ્ધ હું ક્યારેય બોલ્યો નથી! વિઠ્ઠલભાઈની ફિલ્મ જગતની સંસ્મરણકથા 'અસલી નકલી ચહેરા ' વાંચી કવિ સુરેશ દલાલે કહ્યું હતું કે વિઠ્ઠલભાઈની મેં દરેક નવલકથા નથી વાંચી પણ આ સંસ્મરણકથા માટે લોકો એમને યાદ રાખશે.
ફિલ્મજગત વિશે સંસ્મરણો લખાયાં હોય એ ગુજરાતી સાહિત્યની પ્રથમ ઘટના હતી. આવા સર્જક વિઠ્ઠલ પંડ્યાએ ૫૧ નવલકથા, ૧૦ વાર્તાસંગ્રહ, ૧ આત્મકથા ( ભીંત ફાડીને ઉગ્યો પીપળો) , ૧ સંસ્મરણકથા ( અસલી નકલી ચહેરા) તથા અન્ય પુસ્તકો મળી કુલ ૬૮ પુસ્તકો આપ્યાં. અસલી નકલી ચહેરા, નવલકથા મન , મોતી ને કાચ, તથા સપનાનાં સોદાગર એમ ત્રણ પુસ્તકોનો હિન્દી ભાષામાં અનુવાદ પણ થયો.
વિઠ્ઠલભાઈનો જન્મ સાબરકાંઠાના હિંમતનગર પાસે નાના ગામ કાબોદરામાં. જન્મની તારીખ હતી ૨૧ જાન્યુઆરી ૧૯૨૩ . એમની આ ૧૦૧ મી જન્મજયંતી. કાબોદરામાં પિતા કૃપારામની ખેતીની જમીન. વિઠ્ઠલભાઈ નાનપણમાં ખૂબ તોફાની એટલે પિતાએ ૯ વર્ષે એમને મુંબઈ જ્ઞાતિબંધુઓ તથા મોટાભાઈ જીવતરામ પાસે મોકલી આપ્યા હતા. વિઠ્ઠલભાઈ આપબળે ઈન્ટર સુધી ભણ્યા. એ દસેક વર્ષના સંઘર્ષની વાત એમની આત્મકથામાં છે. એમના શાળાજીવનના મિત્ર નારાયણ જાની એમને દિગ્દર્શક રામચંદ્ર ઠાકુર પાસે લઈ ગયા અને એમની ફિલ્મયાત્રાનો પ્રારંભ થયો. આ ક્ષેત્ર એમને ખાસ ફળ્યું નહિ. ૧૯૫૫માં સવિતા વાર્તા સ્પર્ધામાં દિગ્ગજ વાર્તાકારો વચ્ચેની સ્પર્ધામાં એમને સુવર્ણચંદ્રક મળ્યો હતો.
જીવનસંઘર્ષના એવા દિવસો હતા કે સુવર્ણચંદ્રક ગીરવી મૂકવો પડ્યો હતો. મન ,મોતી ને કાચ અને મીઠાં જળનાં મીન જેવી શરૂઆતની નવલકથાઓની બાર જેટલી આવૃત્તિઓ થઈ જેમણે એમને નવલકથાકાર તરીકે પ્રસ્થાપિત કર્યા. ચિત્રલેખા, યુવદર્શન જેવાં અનેક સામાયિકનાં દિવાળી અંકમાં એમની વાર્તાઓ છપાઈ. એક આખી પેઢી, પ્રેમમાં કેમ પડવું, એ એમની નવલકથાઓ વાંચી શીખી. એમની નવલકથાઓ વાંચનારો મોટો વાચકવર્ગ હજી પણ એમની નવલકથાઓ ખરીદી લાવે છે અથવા નજીકની લાયબ્રેરીમાંથી મેળવી લે છે. સાંઈઠે પહોંચેલા વાચકો સાથે વિઠ્ઠલ પંડ્યાની નવલકથાઓની વાત કરીએ તો હજી એમની આંખમાં ચાર દાયકા અગાઉની ચમક વરતાય છે. વિઠ્ઠલભાઈના ત્રણે સંતાન અશોક, રાજેશ તથા સંજય મુંબઈમાં જ છે જેમાં સંજય પંડ્યાએ સાહિત્ય સાથે નાતો જાળવી રાખ્યો છે.