મહારાષ્ટ્રની માતૃભાષા ગુજરાતી માધ્યમની બધી જ શાળાઓ માટે છેલ્લાં ૧૨ વર્ષથી કાર્યરત મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘સરસ્વતી સન્માન’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. દસમા ધોરણમાં દરેક ગુજરાતી માધ્યમની શાળામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓ તેમ જ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ૯૦થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ અને ૧૦૦ ટકા પરિણામ મેળવનાર શાળાઓને સન્માનિત કરવામાં આવશે.
૨ સપ્ટેમ્બર ૨૦૨૩, શનિવારના રોજ બપોરે ૩ વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે. ઘાટકોપરની એસ.પી.આર. જૈન કન્યા શાળાનાં શ્રીમતી ભૂરીબેન ગોળવાળા સભાગૃહમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં દરેક વિદ્યાર્થીઓને સ્મૃતિચિન્હ, રોકડ ઈનામી રકમ, પુસ્તકો તથા અન્ય ભેટ આપવામાં આવશે. આ ઉપરાંત આ સાથે બારમા ધોરણ અને અનુસ્નાતકમાં પણ સૌથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.
એસ.પી.આર. જૈન કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા એક સુંદર કૃતિ પણ પ્રસ્તુતિ કરવામાં આવશે. મુંબઈ ગુજરાતી સંગઠનની યુવા ટીમ દ્વારા જનજાગૃતિ અને આત્મ ગૌરવ માટેનું એક શેરી નાટક પણ ભજવવામાં આવશે અને યુવાનોને માતૃભાષાના સંવર્ધનના આ કાર્યમાં જોડાવા અનુરોધ કરાશે.