મલયાનિલની 'ગોવાલણી' ટૂંકી વાર્તાથી આરંભાયેલી ગુજરાતી ટૂંકી વાર્તામાં સદી દરમિયાન ઘણા પડાવ આવ્યા છે. ધૂમકેતુ, ર.વ.દેસાઈ, પન્નાલાલ પટેલથી માંડીને હિમાંશી શેલત અને ત્યારબાદ રામ મોરી જેવા આજના વાર્તાકારે પ્લોટ, શૈલી, પાત્રાલેખન, પરિવેશ , કલ્પન વગેરેમાં પોતાના હસ્તાક્ષર મૂક્યા છે. ઉમેશભાઈ દેસાઈજી મેમોરિયલ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં 'અશ્વત્થામા ' તથા ' અને રેતપંખી ' જેવાં પુસ્તકોનાં લેખિકા પ્રેરણાબેન લીમડીએ ' સ્પર્શ' નામની ટૂંકી વાર્તા રજૂ કરી જેમાં નાયિકાના વિધવા થયા બાદ કોઈ પુરુષના સ્પર્શની તડપ અને મનોવ્યાપાર સરસ રીતે ઝીલાયાં છે. ડૉ.સેજલ શાહે ' તથાસ્તુ ' નામની ખૂબ રસ પડે એવી વાર્તા રજૂ કરી જેમાં કશુંક પામ્યા પછી પણ રહેતા અસંતોષની, માનવમનની ખાસિયત સુપેરે ઝીલાઈ છે. નાયિકા પોતાની ઈચ્છા સંતોષાય એવું વરદાન તો મેળવે છે પણ એની સામે પોતાની આઝાદી સાથે બાંધછોડ કરવી એને ગમતી નથી.
સતીશ વ્યાસે 'માતાજીની ચૂંદડી ' વાર્તા રજૂ કરી જેમાં સાંસારિક માતા તથા દેવીમા સામસામે મૂકાયાં છે. સાંસારિક મા હૂંફ નથી આપી શકતી એ વખતે નાયક દેવીમાનું શરણ લે છે. દામોદર માવજોની એક અદ્ભુત કોંકણી વાર્તા ' આ મડદું કોનું ' ( અનુવાદ: કિશોર પટેલ) નું વાચિકમ રાજેશ રાજગોરે ભાવસભર રીતે કર્યું.
નવનીત સમર્પણના સંપાદક દીપક દોશીએ બધી જ વાર્તાની આંખે ચડતી સારપ શ્રોતાઓને ચીંધી બતાવી. શ્રોતાઓ પણ દરેક વાર્તાના પઠન બાદ ચર્ચામાં સહભાગી થયાં. અકાદમી વતી સંજય પંડ્યાએ ભૂમિકા બાંધી અને સહુ પેનલિસ્ટનો પરિચય આપ્યો હતો. આ કાર્યક્રમની પરિકલ્પના અને સંકલન પણ એમનાં હતાં.
ઉમેશભાઈ દેસાઈજી મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ નિખિલ તારકસ તથા દહિસર સિનિયર સિટીઝનના સભ્યોના સહકારથી અને પ્રચારથી હૉલ પૂરો ભરાઈ ગયો હતો. કવિ સંદીપ ભાટિયા તથા ડૉ.ચેતન શાહ જેવા સજ્જ શ્રોતાઓ કાર્યક્રમમાં હાજર હતા.