લેખક, ગીતકાર અને વૉઇસ આર્ટિસ્ટ પાર્થ તરપરા ફરી એકવાર પોતાના શબ્દોથી લોકોનું દિલ જીતવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં સિંહ દેખાય રહ્યા છે. પાર્થે આ એક વીડિયો પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર લખ્યું કે, “ફક્ત બે દિવસમાં તમારી પાસે કંઈક ખૂબ જ અંગત આવી રહ્યું છે. જોતા રહો.” દર વર્ષે ૧૦ ઑગસ્ટના રોજ સિંહ દિવસ (Lions Day 2023) તરીકે ઊજવવામાં આવે છે, આ જોતાં એવું લાગે છે કે પાર્થ તરપરા એક નવો અને અનોખો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે, જેના કેન્દ્રમાં સિંહ છે.
પાર્થે તેમની પોસ્ટમાં જેમેક ઇન્ડિયા, સંગીતકાર નિશિત મહેતા, ગાયક બ્રિજરાજદાન ગઢવીને ટેગ કર્યા છે. પાર્થની પોસ્ટ પરથી લાગે છે કે 'જેમેક ઇન્ડિયા' દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તો સંગીત આપ્યું છે નિશિત મહેતાએ અને ગીતને કંઠ આપ્યો છે ગુજરાતના લોક ગાયક ઇશરદાન ગઢવીના દીકરા બ્રિજરાજદાન ગઢવીએ. આ ઉપરાંત પાર્થે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર રોહન ત્રિવેદીને પણ ટેગ કર્યા છે. આનો અર્થ એ થયો કે રોહન ત્રિવેદીનો પણ આ પ્રોજેક્ટ સિંહફાળો છે.
આ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી મેળવવા અમે પાર્થનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે આ સમયે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.
View this post on Instagram
નોંધનીય છે કે ૨૧મું ટિફિનનું બે એવૉર્ડ વિજેતા ગીત ‘રાહ જુએ શણગાર અધૂરો’ પાર્થ તરપરાએ લખ્યું છે. ઉપરાંત દેશમાં કોરોના રસીના ૧૦૦ કરોડ ડોઝ આપવામાં આવ્યા બાદ તેનું જે ગીત કૈલાશ ખેરના અવાજમાં ગવાયું એ અને જે કૉલરટ્યુન ‘નમસ્કાર આપ સબ કે સાથ ઔર પ્રયાસ સે…’નો અવાજ પણ પાર્થ તરપરાએ આપ્યો હતો.