કાંદિવલી વેસ્ટ (Kandivali)ના મહાવીર નગર (Mahavir Nagar) વિસ્તારમાં એક જબરદસ્ત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગનુ બાપ્પા મિત્ર મંડળ (GBMM) દ્વારા ‘GBMM પ્રેમીયર લીગ’ની સીઝન ૩નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ ૧૮ ડિસેમ્બરના રોજ રમાશે. ટુર્નામેન્ટમાં મહિલાઓ અને પુરુષોની ટીમની અલગ-અલગ મેચ યોજાશે. મહાવીર નગરની લગભગ ૪૦ સોસાયટીમાંથી રહેવાસીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.
ટુર્નામેન્ટ રવિવારે સવારે ૭.૧૫ વાગ્યાથી શરૂ થશે, જેમાં મહિલાઓની પાંચ અને પુરુષોની ૧૦ ટીમો ક્રિકેટના મેદાનમાં ઊતરી મુકાબલો કરશે. ટુર્નામેન્ટ મૈત્રી ટર્ફ લૉન ખાતે રાખવામાં આવી છે, જ્યાં કુલ ૧૫૦ ખેલાડીઓ પોતાની ટીમને જીત અપાવવા માટે જબરદસ્ત ટક્કર આપશે. ટુર્નામેન્ટમાં એમઓસી ઈન્ડિયાના ડૉ. આશિષ જોશી, સચિન ભટ્ટ અને ડીઆઇજી સત્યપ્રકાશ સિંહ પણ હાજરી આપશે.
GBMM પ્રેમીયર લીગ’ની સીઝન ૩માં સાત ઑવરની મેચ રમાશે. આ ટુર્નામેન્ટની રસપ્રદ વાત એ છે કે દરેક ઑવરનો ત્રીજો બૉલ સુપર બૉલ હશે. આ બૉલ પર ખેલાડી જેટલા પણ રન બનાવશે તેના બમણા રન ટીમને મળશે. જો સુપર બૉલમાં કોઈ ખેલાડી વિકેટ ગુમાશે તો ટીમને ૫ રનની ખોટ ભોગવવી પડશે.
ટુર્નામેન્ટનું સંપૂર્ણ આયોજન અમિત કોટક, નિખિલ વ્યાસ, રાજેશ જૈન અને હર્ષ ગોરડિયા દ્વારા કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટની આયોજક સમિતિના સભ્ય હર્ષ ગોરડિયાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “આ ટુર્નામેન્ટ માટે બે ટર્ફ બુક કરવામાં આવ્યા છે. એકમાં પુરુષોની તો બીજા ટર્ફમાં મહિલાઓની મેચ યોજાશે. સાથે જ ખેલાડીઓ માટે ખાણીપીણીની વ્યવસ્થા કરવામાં આવી છે.” તેઓ કહે છે કે “આવા પ્રસંગે અન્નનો ખૂબ બગાડ થતો હોય છે, તેથી અમે આ બાબતનું વિશે ધ્યાન રાખ્યું છે. અમે જમવાના કાઉન્ટર માટે એક વિશેષ બેનર બનાવ્યું છે અને લોકોને અન્નનો બગાડ ન કરવાની વિનંતી કરી છે.”
આ પણ વાંચો: સિગ્નલિંગ સિસ્ટમમાં ગરબડને કારણે હાર્બર અને ટ્રાન્સ-હાર્બર લાઇન ખોરવાઈ
ઉલ્લેખનીય છે કે મહાવીર નગરનું ગનુ બાપ્પા મિત્ર મંડળ સમાજલક્ષી કાર્યોમાં પણ આગળ રહે છે અને સમય અનુસાર વિવિધ ઉપક્રમોનું આયોજન કરતું રહે છે.