૧૮૮૩માં સ્થપાયેલી સંસ્થા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (બી એન એચ એસ )એ ૧૦૦ વર્ષ પૂરાં કર્યાં ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટના કહેવાથી મહારાષ્ટ્ર સરકારે બી એન એચ એસ ને આઠ એકર જેટલી જમીન , આરે કૉલોની પાસે આપી હતી. બી એન એચ એસ પ્રજાને પ્રકૃતિ તરફ વાળવાના અનેક કાર્યક્રમોનાં આયોજન કરે છે. જો કે મુંબઈગરા આ પ્રવૃત્તિથી ઓછા વાકેફ છે. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી, પ્રકૃતિ અને પર્યાવરણ સાથે સાહિત્યને જોડવાના વિવિધ કાર્યક્રમો યોજે છે . પ્રકૃતિ અને પરિભ્રમણને પોતાની રસપ્રદ શૈલીમાં વાચકો સમક્ષ મૂકનારા મનીષ શાહ સાથે 'કલમ અને કેમેરા 'એવો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મનીષ શાહ છેલ્લાં કેટલાક વર્ષથી પ્રકૃતિ, પર્યાવરણ અને પરિભ્રમણ પરના વિવિધ વિષયો પર સતત લખતા રહ્યા છે .હાલમાં તેઓ મીડે ડે માં ન્યુઝીલેન્ડ પ્રવાસ વિશે લખી રહ્યા છે . એમનાં 'નિકોબાર પ્રથમવાર' પુસ્તક વિશે બી એન એચ એસના ઓડિટોરિયમમાં તેમણે અદભૂત ફોટોગ્રાફ સ્લાઈડ્સ સાથે એક રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું.
નિકોબાર ટાપુઓ પર સામાન્ય પ્રવાસીઓને જવાની મનાઈ છે પરંતુ સરકારે એક પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો. ત્યાં જે પક્ષીઓ છે એ પક્ષીઓની નોંધણી થાય એ હેતુથી કેટલાક ફોટોગ્રાફર અને પ્રકૃતિવિદને ત્યાં મોકલવામાં આવ્યા હતાં. મનીષ શાહ એ ટીમના એક સભ્ય હતા અને એમણે નિકોબારમાં દરિયાકાંઠે કાદવ ખૂંદી વિવિધ પક્ષીઓના અભ્યાસ કર્યો હતો. આંદામાનથી નિકોબાર ચાર દિવસ દરિયાઈ સર્વિસ દ્વારા પહોંચી શકાય પરંતુ મનીષ શાહ અને એમના મિત્રો હેલિકોપ્ટરમાં ૫૪૦ કિલોમીટરનો પ્રવાસ કરીને નિકોબાર પહોંચ્યા હતાં. પક્ષીઓના અભ્યાસ સિવાય ત્યાં એક બીજું આકર્ષણ હતું કે ગલાથિયા ટાપુ પર કાચબાઓ પોતાના ઈંડા મૂકી જાય છે એ ઘટનાના સાક્ષી થવું.આમ તો ઓલિવ રિડલી ટર્ટલ મહારાષ્ટ્રના અને ગોવાના તથા ભારતના અન્ય દરિયા કિનારા પર પણ જોવા મળતા હોય છે જે હજારોની સંખ્યામાં આવે છે અને ઈંડા મૂકીને માદા પાછી દરિયામાં જતી રહે છે.
ગલાથિયા ટાપુ પર એક વિશેષ પ્રજાતિ કાચબાની આવે છે જે છ કે સાડા છ ફૂટ જેટલી જેટલી મોટી હોય છે .એ કાચબા એટલે લેધરબેક કાચબા! મનીષ તથા શશાંક રાતના બે વાગ્યે નિકોબારના દરિયાકાંઠે લટાર મારી રહ્યા હતા ત્યારે એમને એક લેધરબેક માદા દરિયાકાંઠે ઈંડા મૂકવા આવી એનો અહેસાસ થયો. એ બંને વહેળા તથા જંગલમાં એક કિલોમીટર જેટલું પાછા દોડીને પોતાના મિત્રોને પણ બોલાવી આવ્યા. કદાવર અને ભવ્ય માદા કાચબાએ ઈંડા મૂક્યા એ ઘટનાના સહુ સાક્ષી બન્યાં. મનીષ શાહ કહે છે ,' છ થી સાત હજાર કિલોમીટરનું અંતર તરીને, અનેક મહાસાગરનાં ઊંડાણ માપીને, દરિયાઈ પ્રવાહો સાથે તરીને આ માદા કાચબો ગલાથિયા ટાપુ પર રાત્રે અઢી વાગ્યે પ્રકૃતિની સાંકળની આગલી કડીને વિસ્તારી રહ્યો હતો. બધાની આંખમાં કૃતજ્ઞતાની ચરમસીમા વર્તાતી હતી .હું શું માંગુ પરમ પાસે? અહીં મારી હાજરી જ કોઈ અમૂલ્ય ભેટ હતી ! ' આ કાર્યક્રમમાં હાજર ભાવકોએ એ અગાઉ બી એન એચ એસના પરિસરમાં આવેલી કારવી ટ્રેઈલમાં લટાર મારી. બીએનએચએસના પ્રકૃતિવિદ મહેશ, નિલેશ તથા મનીષ શાહના મિત્ર યોગેશ સાથે હતા. વૃક્ષો તથા વેલાઓ કેવી રીતે સહજીવન જીવે છે કે એકબીજાને કઈ રીતે ચેલેન્જ આપે છે એ એમણે સમજાવ્યું. કેટલાક જીવજંતુઓ એમના પોલિનેશનમાં કઈ રીતે સહાયક બને છે એનું આખું શબ્દચિત્ર એમણે ત્યાં રજૂ કર્યું .એક વૃક્ષ એમણે દેખાડ્યું જેને ઘોસ્ટ વૃક્ષ કહે છે.
એ વૃક્ષની છાલ ચળકતા સફેદ કે આછા ક્રીમ કલરની હોય છે . રાતના ચાંદનીમાં આ વૃક્ષ ચળકે છે .એ ઘણાં બધાં જંતુઓને પોતાની તરફ આકર્ષે છે અને એ જંતુઓ પુષ્પોની પરાગરજ બીજે લઈ જાય છે અને વૃક્ષો બીજે પણ ઉગતા રહે છે. પ્રકૃતિ અને સાહિત્યને સાંકળી લેવાની પરિકલ્પના અકાદમીના સક્રિય સભ્ય કવિ હિતેન આનંદપરાની હતી. અકાદમીએ અગાઉ પણ ચીકુવાડી અને નેશનલ પાર્કમાં ડોક્ટર પ્રદીપ સંઘવી સાથે આવી સરસ મજાની સવારનું આયોજન કર્યું હતું અને કળસુબાઈના પર્વત ઉપર પણ એક ગોષ્ઠી કવિ સંજય પંડ્યા અને પ્રકૃતિવિદ હિમાંશુ પ્રેમ સાથે ગોઠવવામાં આવી હતી. પ્રકૃતિ ,પર્યાવરણ અને સાહિત્યને સાંકળતા બીજા કેટલાક કાર્યક્રમો પણ ભવિષ્યમાં થશે એવી જાહેરાત હિતેનભાઈએ કરી હતી. જાણીતા ગાયિકા હેમાબહેન દેસાઈ , કવિ તથા નિબંધલેખક પ્રદીપ સંઘવી, કવિ સંજય પંડ્યા, કવયિત્રી પ્રતિમા પંડ્યા , વાર્તાકાર પત્રકાર તરુ કજારિયા, મીતા ગોર મેવાડા, જાગૃતિ ફડિયા તથા લેખિનીની અનેક બહેનો અને પ્રકૃતિ પ્રેમીઓ આ કાર્યક્રમમાં સાથે જોડાયાં હતાં. આ કાર્યક્રમનો સૂર એ પણ હતો કે બાળકોને બીએનએચએસની ટ્રેઈલમાં લઈ જશો તો પ્રકૃતિ તરફ એમને વાળવાનું એ પ્રથમ પગથિયું બની રહેશે!