આપણાં બધાં સંબંધમાં એક સંબંધ એવો છે જે પરમાત્માએ આપણે ભેટ આપેલો છે એ એક જ માવડીને કોખે સંસારમાં જન્મ પામેલા ભાઈબહેન. આ ભાઈબહેનનાં પ્રેમની તોલે કોણ આવી શકે છે! એ તો એક અતૂટ બંધન છે. એમનો પ્રેમ સમુદ્ર જેટલો વિશાળ છે, દુનિયામાં કોઈની તાકાત નથી કે એમનાં પ્રેમનું વજન માપી શકે. નાનપણથી જો ભઈલો મોટો હોય તો પિતાતુલ્ય અને નાનો હોય તો દીકરો એવાં આ ભાઈબહેનનાં અવિરતપ્રેમની ગાથા માણો આ નિયતીની કલમે. એ ભઈલો મારો વીરો, જેના જન્મતાંની સાથે જ બેનડી મારો ભઈલું કહીને હરખપદુડી થઈ ગઈ હશે ને હેતનાં હાલરડાં ગાયા હશે, એ ભઈલો મારો વીરો, જેને તમને દુ:ખી જોઈને એનો જીવડો કળીએ કળી કપાતો હશે પછી છાનામાનાં પોતાની આંખમાં આવેલ અશ્રુ પણ લૂછી લીધાં હશે, એ ભઈલો મારો વીરો, જેને તમારી રક્ષા કરવાનાં વચને બંધાયને તમારી ઢાલ બનીને સુખદુઃખમાં સતત તમારી સાથે હશે, એ ભઈલો મારો વીરો, જેને ઠઠ્ઠા મશ્કરી પણ કરી હશે ને પછી ભેગાં બેસીને હેતનાં કોળિયા પણ ભરાવ્યાં હશે. એ ભઈલો મારો વીરો, જેને કન્યાદાન બાદ જઉતલ પણ હોમ્યા હશે ને પછી વિદાયવેળાએ એકબાજુ જઈને ધુંસકે ધુંસકે રડયો હશે. એ ભઈલો મારો વીરો, જેને જીવતાંજીવત તો સતત પ્રેમ કર્યો હશે મૃત્યુ પછી આ કારમો ઘા વેઠીને યાદોરુપી છેલ્લીભેટ મૈયરની ચુંદડી ઓઢાળવાં હાજર થયો હશે, એ ભઈલો મારો વીરો, જેને તમારાં વગરનું જીવતર દોહલું લાગતું હશે ને એવાં આ ભઈલા માટે બેનડીનાં હ્રદયમાંથી સતત દુઆ જ નીકળે છે, ભાઈ એતો ભર ઉનાળે મીઠાં લીમડાનો છાયો જ છે. જ્યારે પણ તમને જીવનમાં કોઈ દુ:ખ સતાવેને મારાં વ્હાલા ત્યારે આ ભાઈરૂપી વડલાની મીઠી છાંવમાં માંથુ ઢાળી તો જોજો તમને અવિરત શાંતિ અવશ્ય મળી જશે.