'કલમના કસબી' સાહિત્ય ગ્રુપના અધ્યક્ષા અને ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના વાચક જીજ્ઞા કપુરિયાએ એક કવિતા શૅર કરી છે, જેનું શીર્ષક છે 'ખમતીધર ખભો'. માણો આ સરસ મજાની કવિતા.
ખમતીધર ખભો
તમારા સફળતાનાં શિખર પરથી એક નજર જરા ભુતકાળમાં પણ નાંખી જોજો, તમને મંજિલે પહોંચાડવામાં એક એવી ભુમિકા પિતારુપી નજરે પડશે કે જેને તમારું ભવિષ્ય બનાવવાનો બધો ભાર પોતાના ખભા પર ઉપાડી એક હરફ સુધ્ધા ઉચ્ચાર્યો નહીં હોય...
એ ખભો, જયારથી તમારા આગમનના એંધાણ વરતાણા ત્યારથી માનસિક માતૄત્વ ભોગવીને,તમારી જવાબદારીને પોતાના ખભા પર ઉપાડીને તમારા આગમનની વાટ જોઈ હશે...
એ ખભો, તમે પાપા પગલી ભરતાં શીખવામાં પડો આખડો ત્યારે દોડી ને તમને ખભા પર બેસાડીને છાના રાખીને મંદ મંદ હસતા હશે...
એ ખભો, તમારી દરેક ભુલ પર સાચું માર્ગદર્શન આપવા કડક વલણ અપનાવીને કદાચિત હાથ પણ ઉગામ્યો હશે, પછી છાનામાના ઓશિકું ભીનું કર્યુ હશે...
એ ખભો, તમારી સફળતામાં હરખના આંસુ સાથે તમારી પીઠ થપથપાવી હશે અને મિત્રવર્તુળમાં આ મારો દિકરો કહીને છાતી ગજ ગજ ફુલી હશે...
એ ખભો, તમારી બધી મુશ્કેલીમાં અથવા પ્રગતિનેપંથે અડીખમ ઊભાં રહીને ગભરાઇશ નહીં હું છું એમ કહયું હશે...
આવા આ પિતા રુપી વડલાની છત્રછાયામાં રહીને તો જોજો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં તમને એક દિશા અવશ્ય મળી જશે...
- જીજ્ઞા કપુરિયા 'નિયતી '