'કલમના કસબી' સાહિત્ય ગ્રુપના અધ્યક્ષા અને ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમના વાચક જીજ્ઞા કપુરિયાએ એક કવિતા શૅર કરી છે, જેનું શીર્ષક છે 'હાલરડું'. માણો આ સરસ મજાની કવિતા.
હાલરડું
મારા લક્ઝરીયસ આવાસનાં સ્ટોરેજમાં આજે એક જૂનું પારણિયું નજરે પડ્યું, એ પારણિયામાં મારી ને તમારી અનેક યાદો ગુંથાયેલી હશે, જેમાં તમારી માતાએ અમૃતપાન કરાવ્યાં પછી પારણિયે પોઢાડ્યા હશે, તમે જયારે સાજામાંદા હશો ત્યારે તમારી માતાએ હેતનાં હાલરડાં ગાયા હશે ને પછી તમારાં ઈસ્ટ માટે અશ્રુભરી આંખે પ્રભુને કાલાવાલા કરતાં કહેતી હશે, 'તું છાનો/છાની રહી જા નહિતો હું રડીશ.” એ હાલરડાંનાં ગાન માટે હું કહીશ કે....
આ 'મા'ને ક્યાં સંગીત શીખવાની જરૂર છે!
એની તો જીવ્હામાં સરસ્વતી ને હૈયામાં શારદા બિરાજમાન છે!
આ 'મા'ને ક્યાં સંગીત શીખવાની જરૂર છે!
જેનાં હાલરડાં સાંભળવા ત્રીભોવનનાં નાથને પણ જન્મ લઈને બાળક બનવું પડ્યું છે!
આ મા'ને ક્યાં સંગીત શીખવાની જરૂર છે!
જેનાં હાલરડામાં સંસ્કારનું સિંચન થાય ને શ્રી કૃષ્ણ અને શિવાજી જેવાં
મહાપ્રતાપીઓ જન્મે છે!
આ 'મા'ને ક્યાં સંગીત શીખવાની જરૂર છે!
જેનાં હાલરડામાં પ્રેમ મમતાનો અહેસાસ ને હૈયામાં મીઠાશ અંકાઈ છે!
આ 'મા'ને ક્યાં સંગીત શીખવાની જરૂર છે!
જેનાં હાલરડામાં માતાનાં માધુર્ય રૂપી વાત્સલ્યનો ભાવ છે ને નિદ્રાદેવીનું શરણું મળી જાય છે!
આ 'મા'ને ક્યાં સંગીત શીખવાની જરૂર છે!
ખરેખર મિત્રો, જ્યારે જીવનની કસોટીમાં અનિદ્રા સતાવેને મારાં વ્હાલાં ત્યારે આ માતાનાં હેતનું હાલરડું યાદ કરી લેજો. તમને નીરવ શાંતિ અવશ્ય મળી જશે.