Pro Kabaddi League:દબંગ દિલ્હીએ કરી જીતની હૅટ-ટ્રિક
પ્રો કબડ્ડી લીગમાં ગઈ કાલે દબંગ દિલ્હીએ હરિયાણા સ્ટેલર્સને ૪૧-૨૧થી હરાવીને સતત ત્રીજી જીત હાંસલ કરી હતી. આ જીત સાથે દબંગ દિલ્હી ૧૫ પૉઇન્ટ્સ સાથે પૉઇન્ટ-ટેબલ પર પ્રથમ નંબરે છે. ફર્સ્ટ હાફમાં દિલ્હીએ ૧૫-૧૦થી લીડ જાળવી રાખી હતી અને સેકન્ડ હાફમાં પણ એણે સારું પ્રદર્શન નોંધાવવાનું ચાલુ રાખ્યું હતું અને સ્કોર ૧૮-૧૦ કરી ૨૨-૧૨ પહોંચાડી દીધો હતો. દિલ્હીએ સમગ્ર મૅચ દરમ્યાન હરિયાણાને બે વાર ઑલઆઉટ કરી હતી અને વિરોધી ટીમને કમબૅક કરવાનો ચાન્સ પણ મળ્યો નહોતો. હરિયાણા અત્યાર સુધી બે મૅચ રમ્યું છે જેમાંથી એકમાં તેની જીત થઈ છે અને બીજી મૅચ એ હારી ચૂક્યું છે.
યુ મુમ્બાએ પુણેરી પલટનને ૩૩-૨૩થી આપ્યો પરાજય
ADVERTISEMENT
પ્રો કબડ્ડી લીગમાં શનિવારે રમાયેલી મૅચમાં યુ મુમ્બાએ જીત સાથે પોતાનું ખાતું ખોલ્યું છે. યુ મુમ્બાએ પુણેરી પલટનને ૩૩-૨૩થી પરાજય આપ્યો હતો. યુ મુમ્બા ટીમના અભિષેક સિંહે શાનદાર પર્ફોર્મન્સ આપી પાંચ પૉઇન્ટ્સ મેળવ્યા હતા, જ્યારે રોહિત બલિયાન, સુરેન્દર સિંહ, સંદીપ નરવાલ અને ફઝલ અત્રાચલી પ્રત્યેકે ચાર-ચાર પોઇન્ટ્સ મેળવ્યા હતા.
આ પણ વાંચોઃ રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ
૨-૨, ૫-૫ અને ૭-૭ના બરાબરીના મુકાબલા પછી બ્રેક પહેલાં યુ મુમ્બાએ ૧૧-૯થી લીડ મેળવી હતી. સેકન્ડ હાફની શરૂઆતમાં મુમ્બાની ટીમના પ્લેયર અભિષેક સિંહે મૅચ પર પકડ બનાવી હતી અને બન્ને ટીમનો સ્કોર ૧૫-૧૦ પર પહોંચ્યો હતો. સેકન્ડ હાફમાં મુમ્બાની ટીમ પુણેરી પલટન પર ભારે પડી હતી અને ૨૧-૧૨ના અંતર સાથે સ્કોરને આગળ ધપાવવામાં સફળ રહી હતી. મુમ્બાએ પુણેને બીજી વાર ઑલઆઉટ કરી ત્યારે મૅચનો સ્કોર ૨૭-૧૭ હતો. જોકે પુણેરી ટીમે પલટવાર કરવાનો સારોએવો પ્રયત્ન કર્યો હતો છતાં તેમના ભાગે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ મૅચમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલી અને મહારાષ્ટ્રના સ્પોર્ટ્સ મિનિસ્ટર આશિષ શેલાર હાજર રહ્યા હતા.