ઇબ્રાહિમોવિચે ગયા વર્ષે એસી મિલાનને સેરી-એ ટુર્નામેન્ટનું ટાઇટલ અપાવ્યું ત્યાર બાદ તેણે ઘૂંટણમાં ઑપરેશન કરાવ્યું હતું
રવિવારે ઝ્લાટન ઇબ્રાહિમોવિચે નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે તેની પત્ની હેલેના પણ હાજર હતી (તસવીર : એ.એફ. પી.)
સ્વિટ્ઝરલૅન્ડના ૪૧ વર્ષની ઉંમરના ફુટબૉલ ખેલાડી અને પ્રોફેશનલ સોકરમાં એસી મિલાન વતી રમતા ઝ્લાટન ઇબ્રાહિમોવિચે ફુટબૉલની રમતમાંથી અચાનક રિટાયરમેન્ટ જાહેર કરીને સૌકોઈને ચોંકાવી દીધા છે. ઇટલીની એસી મિલાન ટીમ વતી ૧૬૩ મૅચમાં ૯૩ ગોલ કરનાર આ ફૉર્વર્ડ પ્લેયરે રવિવારે કહ્યું કે ‘હું નિવૃત્તિ લઈ રહ્યો છું એની કોઈને ખબર નહોતી. મેં મારા પરિવારમાં પણ કોઈને નહોતું કહ્યું, કારણ કે હું ઇચ્છતો હતો કે એકેએક જણને એકસાથે મારી નિવૃત્તિ વિશે જાણ થાય.
ઇબ્રાહિમોવિચે ગયા વર્ષે એસી મિલાનને સેરી-એ ટુર્નામેન્ટનું ટાઇટલ અપાવ્યું ત્યાર બાદ તેણે ઘૂંટણમાં ઑપરેશન કરાવ્યું હતું. તેને આ સીઝનમાં વારંવાર ઈજા થઈ જેને લીધે ફક્ત ચાર મૅચ રમી શક્યો હતો. તે રિટાયરમેન્ટ જાહેર કરતી વખતે ભાવુક થઈ ગયો હતો. તેણે કહ્યું કે ‘શાનદાર કરીઅર બદલ હું મારી ફૅમિલીનો આભારી છું. મારી સેકન્ડ ફૅમિલી એટલે કે ખેલાડીઓને પણ થૅન્ક્સ.’ સ્વીડન વતી ૧૨૨ મૅચમાં ૬૨ ગોલ કરનાર ઇબ્રાહિમોવિચ પ્રોફેશનલ સોકરમાં પીએસજી, ઇન્ટર-મિલાન, બાર્સેલોના, યુવેન્ટ્સ અને ઍજેક્સ વતી પણ રમ્યો હતો.

