એક જ દિવસે ભારતીયો જીત્યા પાંચ ગોલ્ડ મેડલ : મુંબઈના જશ મોદીનો બ્રૉન્ઝ
પાયસ જૈન (ડાબે) અને જશ મોદી (જમણે).
બ્રાઝિલના રિયો ડી જાનેરોની ડબ્લ્યુટીટી (વર્લ્ડ ટેબલ ટેનિસ) યુથ કન્ટેન્ડર ટુર્નામેન્ટમાં શનિવારે ભારતીયોનો ગોલ્ડન ડે અને યાદગાર દિવસ હતો. ભારતને યુવા ખેલાડીઓએ પાંચ ગોલ્ડ મેડલ અપાવ્યા છે. મુંબઈનો યુવાન ખેલાડી અન્ડર-19 કૅટેગરીમાં યુથ બૉય્સ સિંગલ્સનો બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. સેમી ફાઇનલમાં જશ મોદીનો ભારતના જ પાયસ જૈન સામે ૧-૩ (૧૧-૧૩, ૧૧-૮, ૩-૧૧, ૪-૧૧)થી પરાજય થયો અને બીજી સેમીમાં અંકુર ભટ્ટાચારજીને બ્રાઝિલના લિયોનાર્ડો કેન્ઝો ઇલ્ઝુકાએ ૩-૨થી હરાવ્યા બાદ પાયસ જૈને ફાઇનલમાં લિઓનાર્ડોને ૩-૨ (૧૧-૯, ૮-૧૧, ૧૧-૬, ૫-૧૧, ૧૧-૬)થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
જશ થોડા દિવસ પહેલાં ડબ્લ્યુટીટીની ઇવેન્ટમાં બ્રૉન્ઝ જીત્યો હતો. તે અત્યાર સુધી કુલ ૮ ઇન્ટરનૅશનલ મેડલ જીત્યો છે.
બ્રાઝિલમાં ભારતીયો કુલ ૨૦ મેડલ જીત્યા છે. અન્ડર-13 ગર્લ્સ ઇવેન્ટમાં ભારતની રિયાના ભુતા બ્રાઝિલની માઇયારાને ૩-૦થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી હતી, જ્યારે અન્ડર-15 મિક્સ્ડ ડબલ્સમાં ભારતની જેનિફર વર્ગીઝ તથા અભિનંદની જોડી બ્રાઝિલના રોમાન્સ્કી-હૅટાકેયામાને ૩-૨થી પરાજિત કરીને સુવર્ણચંદ્રક જીતી હતી. અન્ડર-17 ગર્લ્સ સિંગલ્સની ફાઇનલમાં ભારતની સુહાના સૈનીએ ઍના હર્સીને ૩-૨થી અને અન્ડર-17 બૉય્સ સિંગલ્સની ફાઇનલમાં ભારતનો અંકુર ભટ્ટાચારજી બ્રાઝિલના ડાવી કૉજી ફુજીને ૩-૦થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. ત્યાર બાદ અન્ડર-19 મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં સુહાના-અંકુરની જોડીએ ભારતનાં જ પાયસ જૈન અને યશસ્વિની ઘોરપડેને ૩-૨થી પરાજિત કરીને સુવર્ણચંદ્રક મેળવી લીધો હતો.

