પાઘડી, તલવાર, શ્રીમદ ભગવદ્ગીતાનું પેઇન્ટિંગ ગિફ્ટમાં મળ્યાં : હજારો રૂપિયાના ચેક વચ્ચે ગામના ચોકીદારે ૧૦૦ રૂપિયા ગિફ્ટમાં આપ્યા વિનેશને: કાકા મહાવીર ફોગાટને સ્ટેજ પર ભેટી પડી હતી ભારતીય કુસ્તીબાજ
વિનેશ ફોગાટ
પૅરિસથી ભારત પહોંચેલી ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને ઑલિમ્પિક્સમાં મેડલ તો ન મળ્યો, પણ ગામજનો તરફથી ભરપૂર પ્રેમ, સન્માન, સમર્થન અને ગિફ્ટ મળી રહ્યાં છે. દિલ્હી ઍરપોર્ટથી ૧૩ કલાકમાં ૧૩૫ કિલોમીટરનું અંતર કાપીને હરિયાણાના પોતાના પૈતૃક ગામ બલાલી પહોંચેલી આ મહિલા કુસ્તીબાજને આવકારવા મધરાતે આખું ગામ ઊમટી પડ્યું હતું. ગામજનોના ઉમળકાભેર સ્વાગત વચ્ચે તેને ગોલ્ડ મેડલ, શ્રીમદ ભગવદ્ગીતાનું પેઇન્ટિંગ, પાઘડી, તલવાર, હજારો રૂપિયાના ચેક અને ચલણી નોટનો હાર ગિફ્ટમાં મળ્યાં હતાં.
૫૦ કિલોગ્રામ કૅટેગરીમાં ૧૦૦ ગ્રામ વધુ વજનને કારણે પૅરિસ ઑલિમ્પિક્સની ફાઇનલ ન રમી શકનાર વિનેશ ફોગાટને ગામના ચોકીદાર સંજય તરફથી ૧૦૦ રૂપિયા ગિફ્ટમાં મળ્યા. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે હું રાતે ચોકીદારીના રાઉન્ડ પર નીકળતો હતો ત્યારે તે મને કહેતી કે કાકા, તમે બહુ બહાદુર છો. જુઓ, આજે કોણ બહાદુર બનીને સામે આવ્યું છે. મહાવીર ફોગાટ પોતાની દીકરી સમાન વિનેશ ફોગાટને સ્ટેજ પર ભેટી પડ્યા હતા, એ સમયે વિનેશ ભાવુક જોવા મળી હતી.
ADVERTISEMENT
પૅરિસથી અહીં સુધીની લાંબી મુસાફરીને કારણે વિનેશ ખૂબ જ થાકી ગઈ હતી, એમ છતાં તેણે ગામજનોને સંબોધિત કરતાં કહ્યું કે ‘હું મારા દિલથી ઇચ્છું છું કે ગામમાંથી કોઈ મારા વારસાને આગળ લઈ જાય અને મારો રેકૉર્ડ તોડે. જો હું મારા ગામની મહિલા કુસ્તીબાજોને પ્રોત્સાહન આપી શકું તો એ મારી સૌથી મોટી ઉપલબ્ધિ હશે. હું તમને બધાને ગામની મહિલાઓને સપોર્ટ આપવા વિનંતી કરું છું. જો તેમને મારું સ્થાન લેવું હશે તો તેમને તમારા સહકાર અને સમર્થનની જરૂર પડશે.’
૨૯ વર્ષની વિનેશ ફોગાટે આગળ કહ્યું હતું કે ‘રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (WFI) સામેની અમારી લડાઈ પૂરી નથી થઈ, લડાઈ ચાલુ રહેશે. મને મારા દેશવાસીઓ, મારા ગામ અને પરિવારના સભ્યો તરફથી મળેલો પ્રેમ મને આ આંચકામાંથી બહાર લાવવામાં મદદ કરશે. હું કુસ્તીમાં પાછી જઈ શકું છું. ઑલિમ્પિકસ મેડલ ગુમાવવો એ મારા જીવનનો સૌથી મોટો આઘાત છે. મને ખબર નથી કે આમાંથી સાજા થવામાં મને કેટલો સમય લાગશે. મને ખબર નથી કે હું કુસ્તીમાં પાછી ફરીશ કે નહીં, પરંતુ આજે મને જે હિંમત મળી છે એનો હું યોગ્ય દિશામાં ઉપયોગ કરવા માગું છું.