Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > યુરો કપમાં વર્લ્ડ ચૅમ્પિયન અને ફેવરિટ ફ્રાન્સ ઘરભેગું

યુરો કપમાં વર્લ્ડ ચૅમ્પિયન અને ફેવરિટ ફ્રાન્સ ઘરભેગું

Published : 30 June, 2021 08:48 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝરલૅન્ડ પેનલ્ટી શૂટઆઉટમાં ૫-૪થી રોમાંચક જીત મેળવી : નૉકઆઉટના ત્રીજી દિવસે દે ધનાધન રેકૉર્ડ ૧૪ ગોલ : સ્પેને એક્સ્ટ્રા ટાઇમમાં ક્રોએશિયાને ૫-૩થી હરાવ્યું

જીત બાદ સેલિબ્રેશન કરતી સ્વિટ્ઝરલૅન્ડની ટીમ (ઉપર) અને આઘાતજનક હાર બાદ સ્તબ્ધ થઈ ગયેલું વર્લ્ડ ચૅમ્પિયન ફ્રાન્સ (નીચે)

જીત બાદ સેલિબ્રેશન કરતી સ્વિટ્ઝરલૅન્ડની ટીમ (ઉપર) અને આઘાતજનક હાર બાદ સ્તબ્ધ થઈ ગયેલું વર્લ્ડ ચૅમ્પિયન ફ્રાન્સ (નીચે)


ફુટબૉલ ટુર્નામેન્ટ યુરો કપમાં સોમવારે નૉકઆઉટના ત્રીજા દિવસે જબરી રસાકસી જોવા મળી હતી અને બન્ને મૅચોનું ૯૦ મિનિટમાં પરિણામ ન આવતાં એક્સ્ટ્રા ટાઇમનો સહારો લેવો પડ્યો હતો, જેમાંથી એક ફ્રાન્સ અને સ્વિટ્ઝરલૅન્ડની ટક્કર એક્સ્ટ્રા ટાઇમમાં પણ બરોબરી પર રહેતાં આખરે પેનલ્ટી શૂટઆઉટ થકી વિજેતા નક્કી કરવો પડ્યો હતો, જેમાં સ્વિટ્ઝરલૅન્ડે ઐતિહાસિક વિજય મેળવીને વર્લ્ડ ચૅમ્પિયન અને ફેવરિટ ફ્રાન્સની વહેલી ફેરવેલ યોજી દીધી હતી.


સ્વિટ્ઝરલૅન્ડ પહેલી વાર ક્વૉર્ટરમાં



સોમવારે મધરાતે વર્લ્ડ ચૅમ્પિયન ફ્રાન્સ સામેના જંગમાં ૧૫મી મિનિટે ગોલ કરીને સ્વિટ્ઝરલૅન્ડ ફર્સ્ટ હાફમાં ૧-૦થી આગળ હતું, પણ બીજા હાફમાં ફ્રાન્સના સ્ટાર કરીમ બેન્ઝેમાએ ૫૭મી અને ૫૯મી એમ બે મિનિટમાં બે બૉલ ફટકારીને ફ્રાન્સને ૨-૧થી આગળ કરી દીધું હતું. ૭૫મી મિનિટે પૉલ પાગ્બાએ ગોલ કરીને ફ્રાન્સને ૩-૧થી આગળ કરીને જીત ઑલમોસ્ટ ફાઇનલ કરી દીધી હતી, પણ સ્વિટ્ઝરલૅન્ડે ૮૧મી અને ૯૦મી મિનટે ગોલ કરીને ૩-૩થી બરોબરી કરી લીધી હતી. એક્સ્ટ્રા ટાઇમમાં પણ કોઈ ટીમ ગોલ ન કરી શકતા પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવો પડ્યો હતો. સ્વિટ્ઝરલૅન્ડના પાંચેય પ્રયાસ સફળ થયા હતા અને ફ્રાન્સે પણ પહેલા ચારેય પ્રયાસમાં ગોલ કર્યા હતા, પણ પાંચમી અને છેલ્લી પેનલ્ટીમાં કાયલિયન ઍમ્બાપેના શૉટના સ્વિટ્ઝરલૅન્ડના ગોલકીપરે આબાદ બચાવ કરતાં ટુર્નામેન્ટમાં સૌથી મોટો અપસેટ સર્જાયો હતો.


આ જીત સાથે સ્વિટ્ઝરલૅન્ડે ઇતિહાસ રચ્યો હતો અને ૬૦ વર્ષના યુરો કપના ઇતિહાસમાં પહેલીવા ર તેઓ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયા હતા. આ ઉપરાંત ૧૯૫૪ બાદ એટલે કે ૬૭ વર્ષ બાદ સ્વિટ્ઝરલૅન્ડ પહેલી વાર કોઈ મેજર ટુર્નામેન્ટ (યૂરો કપ/વર્લ્ડ કપ)ની ક્વૉર્ટર ફાઇનલમાં રમશે. આ ઉપરાંત ૧૯૩૮ બાદ પહેલી વાર એ કોઈ ટુર્નામેન્ટમાં નૉકઆઉટ મૅચ જીત્યું છે.

સ્વિટ્ઝરલૅન્ડ આ પહેલાં રમાયેલા પેનલ્ટી શૂટઆઉટમાં હાર્યું હતું.


સ્પેનની એક્સ્ટ્રા ટાઇમ જીત

ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયને પણ ક્રોએશિયા સામે જીત મેળવવા એક્સ્ટ્રા ટાઇમનો સહારો લેવો પડ્યો હતો. ઑન ગોલને લીધે ક્રોએશિયાને ૧૦મી મિનિટે જ લીડ મળી ગઈ હતી, પણ સ્પેને ૩૮મી મિનિટે ગોલ કરીને બરોબરી કરી લીધી હતી. બીજા હાફમાં ૫૭મી અને ૭૭મી મિનિટે ગોલ કરીને ૩-૧થી લીડ લીધી હતી, પણ ક્રોએશિયાએ ૮૫મી મિનિટ અને ઇન્જરી ટાઇમમાં બીજી મિનિટે એક અને ૭મી મિનિટે બે ગોલ કરીને કમાલના કમબૅક સાથે ૩-૩થી બરોબરી કરી લીધી હતી. મૅચ ૩-૩થી બરોબરીમાં રહ્યા બાદ એક્સ્ટ્રા ટાઇમમાં સ્પેને બે ગોલ કરીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

હીરો બન્યો વિલન, વિલન બન્યો હીરો

સોમવારના બન્ને મુકાબલાઓમાં અજુગતું જોવા મળ્યું હતું. અદ્ભુત ટૅલન્ટને કારણે યુવા પેલે તરીકે ઓળખાતો ફ્રાન્સનો સ્ટાર ખેલાડી કાયલિયન ઍમ્બાપે મૅચમાં સાધારણ પર્ફોર્મન્સ કરી છેલ્લી અને મહત્ત્વપૂર્ણ પેનલ્ટી ગુમાવીને હીરોમાંથી વિલન બની ગયો હતો. મૅચ બાદ તેણે સ્વીકાર્યું હતું કે આ આઘાતમાંથી બહાર આવવું બહુ મુશ્કેલ છે. હું ઊંઘી પણ નહીં શકું.

જ્યારે બીજી તરફ સ્પેનના અલવારો મોરાટાની છેલ્લા કેટલાક સમયથી ચાહકો સોશ્યલ મીડિયામાં ભારે મજાક ઉડાડતા હતા. સ્લોવાકિયા સામેની મૅચમાં પેનલ્ટી ચૂકી ગયા બાદ ચાહકો તેને અને તેના પરિવારજનોને ભારે ટ્રોલ કરતા હતા, પણ સોમવારે શાનદાર પર્ફોર્મન્સ અને એક્સ્ટ્રા ટાઇમમાં અદ્ભુત ગોલ કરીને તે વિલનમાંથી હીરો બની ગયો હતો.

ક્વૉર્ટર ફાઇનલનું શેડ્યુલ

શુક્રવાર, બીજી જુલાઈ

રાતે ૯.૩૦: સ્વિટ્ઝરલૅન્ડ v/s સ્પેન

મધરાતે ૧૨.૩૦: બેલ્જિયમ v/s ઇટલી

શનિવાર, ત્રીજી જુલાઈ

રાતે ૯.૩૦: ચેક રિપબ્લિક v/s ડેન્માર્ક

મધરાતે ૧૨.૩૦: ઇંગ્લૅન્ડ/જર્મની v/s સ્વીડન/યુક્રેન

Whatsapp-channel Whatsapp-channel

30 June, 2021 08:48 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK