સિટીની ટીમ પ્રીમિયર લીગ, એફએ કપ પછી ચૅમ્પિયન્સ લીગમાં પણ ચૅમ્યિપન : નૉર્વેનો ફુટબોલર હાલાન્ડ ટ્રોફી સાથે ગોલ્ડન બૂટ અવૉર્ડ પણ જીત્યો
શનિવારે ઇસ્તંબુલમાં ચૅમ્પિયન્સ લીગની ફાઇનલમાં જીતેલી ટ્રોફી સાથે મૅન્ચેસ્ટર સિટીના ખેલાડીઓ તસવીર એ. એફ. પી./twitter.com
મૅન્ચેસ્ટર સિટીની ટીમે શનિવારે ટર્કીના ઇસ્તંબુલમાં ચૅમ્પિયન્સ લીગની દિલધડક ફાઇનલમાં ઇન્ટર મિલાનને ૧-૦થી હરાવીને યુરોપિયન ફુટબૉલનું સતત ત્રીજું ટાઇટલ પણ જીતી લીધું હતું. આ ટીમ ચૅમ્પિયન્સ લીગમાં પહેલી વાર ચૅમ્પિયન બની છે. સ્પેનના મિડફીલ્ડર રૉડ્રીએ ૬૮મી મિનિટે ગોલ કર્યો હતો, જે મૅચનો એકમાત્ર અને ટુર્નામેન્ટનો મૅચ-વિનિંગ ગોલ હતો.
પેપ ગ્વાર્ડિયોલાના કોચિંગમાં રમનાર મૅન્ચેસ્ટર સિટીની ટીમ આ સીઝનમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગ અને એફએ કપ પછી હવે ચૅમ્પિયન્સ લીગ પણ જીતી છે. આ યુરોપિયન ટ્રેબલ કહેવાય છે અને આ ટ્રેબલની સિદ્ધિ મેળવનાર ૧૦મી ટીમ છે. બાયર્ન મ્યુનિક અને બાર્સેલોના ક્લબની ટીમે બે-બે સીઝનમાં ત્રણેય યુરોપિયન ટ્રોફી (ટ્રેબલ) જીતી લીધી હતી.
ADVERTISEMENT
મૅન્ચેસ્ટર સિટીના અર્લિંગ હાલાન્ડને ગોલ્ડન બૂટનો અવૉર્ડ અપાયો હતો. તે આ ચૅમ્પિયન્સ લીગમાં કુલ ૮૪૫ મિનિટ રમ્યો અને એમાં તેણે ૧૨ ગોલ કર્યા હતા. હાલાન્ડ ૨૩ વર્ષનો થતાં પહેલાં બે વખત ચૅમ્પિયન્સ લીગ ગોલ્ડન બૂટ અવૉર્ડ જીતનારો લિયોનેલ મેસી પછીનો બીજો ખેલાડી છે. એટલું જ નહીં, હાલાન્ડે ગોલ્ડન બૂટ અવૉર્ડ જીતવાની સાથે એ જ સીઝનમાં ચૅમ્પિયન્સ લીગની ટ્રોફી પણ જીતી લીધી હોય એવો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછીનો બીજો પ્લેયર છે. રોનાલ્ડો ૨૦૦૭-’૦૮ની સીઝનમાં મૅન્ચેસ્ટર યુનાઇટેડ વતી ગોલ્ડન બૂટ અવૉર્ડ તેમ જ ચૅમ્પિયન્સ લીગ ટ્રોફી જીત્યો હતો.
આ ચૅમ્પિયન ટીમના સુપરસ્ટાર ખેલાડી અર્લિંગ હાલાન્ડે ગોલ્ડન બૂટનો અવૉર્ડ જીત્યા પછી ટ્રોફી લઈને ગર્લફ્રેન્ડ ઇસાબેલ જોહાન્સેન સાથે ફોટો પડાવ્યો હતો . ઇસાબેલ પણ ફુટબોલર છે.

