આ પ્રતિબંધ સામે અપીલ કરવા માટે ઐશ્વર્યા બાબુને ૬ માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે
ઐશ્વર્યા બાબુ
દેશની ટોચની ટ્રિપલ જમ્પર ઐશ્વર્યા બાબુ પર પ્રતિબંધિત ઍનાબૉલિક સ્ટેરૉઇડના સેવન બદલ નૅશનલ ઍન્ટિ ડોપિંગ એજન્સી (નાડા) દ્વારા ચાર વર્ષ માટે પ્રતિંબધ મૂકવામાં આવ્યો છે. ૨૫ વર્ષીય ઍથ્લીટને અન્ય એક રનર એસ ધનલક્ષ્મી સાથે ૨૦૨૨માં બર્મિંગહૅમ કૉમનવેલ્થ ગેમ્સની ટીમમાંથી બહાર કરવામાં આવી હતી, કારણ કે આ બન્ને ઑસ્ટૅરિન સ્ટેરૉઇડના સેવન માટે પૉઝિટિવ સાબિત થઈ હતી જે નાડાના પ્રતિબંધની યાદીમાં સામેલ છે. આ પ્રતિબંધ સામે અપીલ કરવા માટે તેને ૬ માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ગયા વર્ષે ચેન્નઈમાં આયોજિત સ્પર્ધામાં તેણે ટ્રિપલ જમ્પ નૅશનલ રેકૉર્ડ સ્થાપીને ગોલ્ડ મેળવ્યો હતો. તેણે ૧૪.૧૪ મીટરનું અંતર કાપ્યું હતું. ગયા વર્ષના જુલાઈથી જ તેના પર પ્રતિબંધ મુકાયો છે. ઐશ્વર્યાનું કહેવું હતું કે આ સ્ટેરૉઇડ તેણે પ્રદર્શનને સુધારવા માટે નહોતું લીધુ, પરંતુ ૨૦૨૧ની ફેબ્રુઆરીમાં જીમમાં વજન ઉપાડતી વખતે તેનો ખભો ઊતરી ગયો હતો ત્યારે એની સારવાર કરાવી હતી. દુખાવામાંથી રાહત
મેળવવા માટે તેણે ઑસ્ટૅરિન ટૅબ્લેટ લીધી હતી. જોકે આ માટે તેણે માત્ર એના સાથીદારની જ સલાહ લીધી હતી, કોઈ રજિસ્ટર્ડ મેડિકલ પ્રૅક્ટિસનરની સલાહ નહોતી લીધી.