સુપરસ્ટાર ફુટબૉલર સાથેની ડીલની જાહેરાત કરાઈ એના થોડા કલાકો પછી ઇન્ટર માયામી ટીમ સતત ૧૧મી મૅચ હારી
લિયોનેલ મેસી પ્રોફેશનલ ફુટબૉલમાં ૨૦૦૩થી ૨૦૨૧ સુધી બાર્સેલોનાની ટીમમાં (ડાબે), ૨૦૨૧થી ૨૦૨૩ પીએસજીમાં (વચ્ચે) હતો અને હવે અમેરિકાની ઇન્ટર માયામી ટીમ સાથે (જમણે) છે.
આર્જેન્ટિનાનો સુપરસ્ટાર ફુટબૉલર લિયોનેલ મેસી પ્રોફેશનલ ફુટબૉલમાં યુરોપ છોડીને અમેરિકામાં સ્થાયી થઈ રહ્યો છે અને ૨૧ જુલાઈએ ઇન્ટર માયામી વતી જે પહેલી મૅચ રમવાનો છે એની ટિકિટ ઘણા દિવસો પહેલાં જ વેચાઈ ગઈ હતી અને બ્લૅકમાં એક ટિકિટના ૧૩૧૯ ડૉલર (અંદાજે એક લાખ રૂપિયા)થી ૬૦૦૦ ડૉલર (પાંચ લાખ રૂપિયા) જેટલા બોલાય છે. તે અમેરિકાની મેજર લીગ સૉકર (એમએલએસ)માં રમશે.
શનિવારે વર્લ્ડ ચૅમ્પિયન મેસી સાથેના ડીલની ઇન્ટર માયામી ક્લબ દ્વારા જાહેરાત કરાઈ એના થોડા કલાકો બાદ ઇન્ટર માયામી ટીમ સતત ૧૧મી વાર વિજય વિનાની રહી હતી. શનિવાર રાતની મૅચ સેન્ટ લુઇસ સિટી સામે હતી જેમાં ઇન્ટર માયામીનો ૦-૩થી પરાજય થયો હતો.
ADVERTISEMENT
ગ્રેટેસ્ટ પ્લેયર્સને લાવવાનું ૧૦ વર્ષ જૂનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. મેસી મારી ટીમમાં જોડાઈ રહ્યો છે એનાથી મોટું ગૌરવ બીજું શું હોય! હું મારા મિત્ર અને અદ્ભુત ખેલાડી તેમ જ તેની ફૅમિલીનું માયામીમાં સ્વાગત કરું છું. : ડેવિડ બેકહૅમ