ક્રિશા ૪ વર્ષની હતી ત્યારથી દરરોજ સવારે અને સાંજે જિમ્નૅસ્ટિક્સની પ્રૅક્ટિસ કરે છે
ક્રિશા શાહ
આર્ટિસ્ટિક જિમ્નૅસ્ટિક્સમાં નિપુણ થાણેમાં રહેતી ક્રિશા જતીન શાહ તાજેતરમાં ઇજિપ્તની રાજધાની કૅરોમાં ફારાઓઝ કપ ફૉર આર્ટિસ્ટિક જિમ્નૅસ્ટિક્સમાં પોતાની કૅટેગરી (પ્રી જુનિયર)માં પહેલા નંબરે આવીને ગોલ્ડ મેડલ જીતી હતી. તેણે ટેબલ વૉલ્ટમાં દેશ-વિદેશના તમામ સ્પર્ધકો વચ્ચે સૌથી વધુ ૧૧.૮૫૦ પૉઇન્ટ મેળવીને સુવર્ણચંદ્રક હાંસલ કર્યો હતો.
ક્રિશાએ સુકારા નામની જે કૅટેગરીમાં ભાગ લીધો હતો એમાં સ્પર્ધકે હવામાં ગુલાંટ મારીને કોઈ પણ પ્રકારની ભૂલ કર્યા વગર જમીન પર પગ અડાડવાના હોય છે. આ આખી સ્પર્ધામાં ૮ દેશના કુલ ૧૮૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ક્રિશા ૪ વર્ષની હતી ત્યારથી દરરોજ સવારે અને સાંજે જિમ્નૅસ્ટિક્સની પ્રૅક્ટિસ કરે છે. ઑલિમ્પિક્સમાં મેડલ જીતવાનું ધ્યેય રાખતી ક્રિશા રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે ઘણી સ્પર્ધાઓ જીતી ચૂકી છે.