રુદ્રાંક્ષ પાટીલ, દિવ્યાંશ સિંહ પવાર અને ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરની ત્રિપુટીએ ૧૦ મીટર ઍર રાઇફલ ટીમ ઇવેન્ટમાં કર્યો કુલ ૧૮૯૩.૭નો સ્કોર
એશિયન ગેમ્સમાં ભારતની શૂટર્સ ટીમ
હાન્ગજોમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ગઈ કાલે ભારતની શૂટર્સે ગોલ્ડ સહિત ત્રણ મેડલ જીત્યા હતા. આમ બે દિવસમાં જ કુલ પાંચ મેડલ મેળવ્યા છે. ટીનેજર વર્લ્ડ ચૅમ્પિયન રુદ્રાંક્ષ પાટીલની આગેવાનીની ૧૦ મીટર ઍર રાઇફલ ટીમે વર્લ્ડ રેકૉર્ડ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે વ્યક્તિગત સ્પર્ધામાં બ્રૉન્ઝ જીત્યો હતો, જેમાં રુદ્રાંક્ષ પાટીલ ચોથા ક્રમાંક પર રહ્યો હતો. આદર્શ સિંહ, અનીશ ભાનવાલા અને વિજયવીર સિદ્ધુની પચીસ મીટર રૅપિડ ફાયર ટીમે ઇન્ડોનેશિયા સાથે ટાઈ કર્યા બાદ ૧૭૧૮ના કુલ સ્કોર સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
રુદ્રાંક્ષ, દિવ્યાંશ સિંહ પવાર અને ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરની ત્રિપુટીએ ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ૧૮૯૩.૭નો સ્કોર કરીને ચીન અને સાઉથ કોરિયાના પડકારને ૧૦ મીટર ઍર રાઇફલ ટીમ સ્પર્ધામાં પાછળ મૂકી દીધો હતો. ૧૯ વર્ષના રુદ્રાંક્ષે ૬૩૨.૫, ઐશ્વર્ય તોમરે ૬૩૧.૬ અને દિવ્યાંક્ષ પવારે ૬૨૯.૬નો સ્કોર કર્યો હતો. સાઉથ કોરિયાનો કુલ સ્કોર ૧૮૯૦.૧ અને ચીનનો ૧૮૮૮.૨ રહ્યો હતો.
વ્યક્તિગત સ્પર્ધામાં ઐશ્વર્ય અને રુદ્રાંક્ષ પર ભારતીય ટીમને ઘણી આશાઓ હતી, પરંતુ તેઓ વ્યક્તિગત સ્પર્ધામાં ટીમ સ્પર્ધા જેવો જાદુ દેખાડી શક્યા નહોતા. ગયા વર્ષે રુદ્રાંક્ષ વર્લ્ડ-ચૅમ્પિયન બન્યો હતો.