૧૬ વર્ષનો ગુકેશ ચેસના વર્લ્ડ ચૅમ્પિયનને હરાવનાર યંગેસ્ટ ખેલાડી બન્યો : ભારતના જ પ્રજ્ઞાનાનંદનો વિક્રમ તોડ્યો
ડી. ગુકેશ અને મૅગ્નસ કાર્લસન
ભારતના ઉપરાઉપરી ત્રણ ટીનેજ ચેસ ખેલાડીએ ચેસજગતના નંબર વન મૅગ્નસ કાર્લસનને હરાવવામાં સફળતા મેળવી છે. આર. પ્રજ્ઞાનાનંદે આ વર્ષે કાર્લસનને વિવિધ સ્પર્ધામાં લાગલગાટ ત્રણ મુકાબલામાં પરાજિત કર્યા બાદ રવિવારે ૧૯ વર્ષના અર્જુન ઇરિગૈસીએ કાર્લસનને ઍમીચેસ રૅપિડ ઑનલાઇન ટુર્નામેન્ટમાં આંચકો આપ્યા બાદ ગઈ કાલે ૧૬ વર્ષના ડી. ગુકેશે કાર્લસનને આ જ સ્પર્ધામાં ૨૯ ચાલમાં હરાવ્યો હતો. ગુકેશ આ વર્લ્ડ ચૅમ્પિયનને હરાવનાર સૌથી યુવાન ખેલાડી બન્યો છે.
ગુકેશ ચેન્નઈનો છે અને તેણે સફેદ મહોરાંથી રમીને કાર્લસનને હરાવવાની સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં ૨૧ પૉઇન્ટ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. પોલૅન્ડનો યાન ક્રાયસ્ટૉફ ડુડા (૨૫ પૉઇન્ટ) પ્રથમ સ્થાને અને અઝરબૈજાનનો શખરિયાર મામેદયારોવ (૨૩ પૉઇન્ટ) બીજા સ્થાને છે. અર્જુન ઇરિગૈસી ૨૧ પૉઇન્ટ સાથે ચોથા નંબરે છે. આ સ્પર્ધાના આયોજક મેલ્ટવૉટર ચૅમ્પિયન્સ ચેસ ટૂર વતી ટ્વીટમાં ગુકેશને ગઈ કાલે અભિનંદન આપતાં લખવામાં આવ્યું હતું કે ‘મૅગ્નસ કાર્લસન ૨૦૧૩માં વર્લ્ડ ચૅમ્પિયન બન્યો ત્યાર પછી તેને હરાવનારાઓમાં ભારતનો ૧૬ વર્ષનો ચેસ સુપરસ્ટાર ગુકેશ સૌથી યુવાન છે. હૅટ્સ ઑફ ટુ ગુકેશ.’
ADVERTISEMENT
ગુકેશની ઉંમર ૧૬ વર્ષ, ૪ મહિના, ૨૦ દિવસ છે. આ વર્ષના ફેબ્રુઆરીમાં પ્રજ્ઞાનાનંદે પહેલી વાર કાર્લસનને ૩૯ ચાલમાં હરાવ્યો હતો ત્યારે પ્રજ્ઞાનાનંદ ૧૬ વર્ષ, ૬ મહિના, ૧૦ દિવસનો હતો.
આ ઑનલાઇન સ્પર્ધામાં ભારતના બીજા ત્રણ ખેલાડીઓ વિદિત ગુજરાતી, આદિત્ય મિત્તલ અને પી. હરિકૃષ્ણ ધારણા જેટલું સારું નથી રમી શક્યા અને અનુક્રમે ૧૦મા, ૧૨મા, ૧૫મા સ્થાને છે.