કાર્લોસ અલ્કારેઝ ૨૧મી સદીમાં પુરુષ ટેનિસ ખેલાડીઓના ટોચના પાંચ ક્રમાંકમાં પ્રવેશનારો સેકન્ડ-યંગેસ્ટ પ્લેયર બન્યો હતો
News In Shorts
અલ્કારેઝ (ડાબે) અને વિજેતા ખેલાડી મુઝેટ્ટી
ટેનિસમાં સ્પેનના કાર્લોસ અલ્કારેઝનો હારતાં પહેલાં રેકૉર્ડ
સ્પેનનો ૧૯ વર્ષનો ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારેઝ રવિવારે જર્મનીમાં હૅમ્બર્ગ યુરોપિયન ઓપનની ફાઇનલમાં હારી ગયો હતો, પણ એ પહેલાં તેણે મોટી સિદ્ધિ મેળવી હતી. તે ૨૧મી સદીમાં પુરુષ ટેનિસ ખેલાડીઓના ટોચના પાંચ ક્રમાંકમાં પ્રવેશનારો સેકન્ડ-યંગેસ્ટ પ્લેયર બન્યો હતો. સ્પેનનો રાફેલ નડાલ ૨૦૦૫માં ૧૮ વર્ષની વયે ટૉપ-ફાઇવમાં પહોંચનારો યંગેસ્ટ પ્લેયર બન્યો ત્યાર પછી તેના જ દેશનો અલ્કારેઝ ટોચના પાંચ ક્રમમાં ચમક્યો છે. તે મેડવેડેવ, ઝ્વેરેવ, નડાલ અને સિત્સિપાસ પછી પાંચમા સ્થાને છે. રવિવારે ફાઇનલની થ્રિલરમાં ઇટલીના લૉરેન્ઝો મુઝેટ્ટીએ અલ્કારેઝને ૬-૪, ૬-૮, ૬-૪થી હરાવીને પહેલી વાર ટૂર લેવલની ટુર્નામેન્ટ જીતી લીધી હતી.
ADVERTISEMENT
ડર્બનની ટીમ માટે ક્લુઝનર હેડ-કોચ
આગામી જાન્યુઆરીમાં પહેલી વાર રમાનારી સાઉથ આફ્રિકાની ટી૨૦ લીગ માટેની ડર્બનની ટીમને આઇપીએલની લખનઉ સુપર જાયન્ટ્સ ટીમના માલિકો આરપીએસજી ગ્રુપે ખરીદી છે અને આરપીએસજીએ ગઈ કાલે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર લાન્સ ક્લુઝનરને ડર્બનના ફ્રૅન્ચાઇઝી માટેના હેડ-કોચ તરીકે સાઇન કર્યો હતો. અગાઉ ક્લુઝનરના કોચિંગમાં અફઘાનિસ્તાન કેટલીક મહત્ત્વની મૅચો અને સિરીઝ જીત્યું હતું.
આઠ વર્ષે કૅરિબિયન ટૂર પર જશે કિવીઓ
ન્યુ ઝીલૅન્ડના ક્રિકેટરો ૨૦૧૪ પછી પહેલી વાર વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે જશે અને ત્યાં તેઓ ૧૨ દિવસના બિઝી શેડ્યુલમાં ૬ મૅચ રમશે. ૧૦થી ૨૧ ઑગસ્ટ દરમ્યાન કિવીઓ અને કૅરિબિયનો વચ્ચે ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ રમાશે. ન્યુ ઝીલૅન્ડની ટીમ છેલ્લે ૨૦૧૪માં વેસ્ટ ઇન્ડીઝ ગઈ હતી જ્યાં કિવીઓનો ટેસ્ટમાં ૨-૧થી વિજય થયા બાદ ટી૨૦ શ્રેણી ૧-૧થી ડ્રૉ ગઈ હતી. ત્યાર પછી કૅરિબિયનો જ ન્યુ ઝીલૅન્ડની ટૂર પર આવ્યા છે. ઑગસ્ટની સિરીઝથી કેન વિલિયમસન, ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉધી કિવી ટીમમાં કમબૅક કરશે.