ફ્રાન્સના ગૅલ મોનફિલ્સ સામે મૅચ હાર્યા બાદ ૨૧ વર્ષના સ્પૅનિશ ટેનિસ સ્ટારે રૅકેટ પર ગુસ્સો કાઢ્યો હતો
કાર્લોસ અલ્કારાઝ
સ્પેનના ચાર વખતના ગ્રૅન્ડ સ્લૅમ વિજેતા કાર્લોસ અલ્કારાઝે અમેરિકાની સિનસિનાટી ઓપન ટેનિસ ટુર્નામેન્ટના ઓપનિંગ રાઉન્ડમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. ફ્રાન્સના ગૅલ મોનફિલ્સ સામે મૅચ હાર્યા બાદ ૨૧ વર્ષના સ્પૅનિશ ટેનિસ સ્ટારે રૅકેટ પર ગુસ્સો કાઢ્યો હતો. તેણે કોર્ટ પર ઘણી વખત રૅકેટ અફાળ્યું હતું જેને કારણે એનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેણે મૅચ બાદ કહ્યું હતું કે ‘મને લાગ્યું કે એ મારી કરીઅરની અત્યાર સુધીની સૌથી ખરાબ મૅચ હતી. હું ખરેખર સારી તૈયારી કરી રહ્યો હતો અને મને સારું લાગી રહ્યું હતું, પરંતુ હું એવું રમી શક્યો નહોતો.’
પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લેનાર આર્મી ઍથ્લીટ્સને સન્માનિત કર્યા આર્મી ચીફે
ADVERTISEMENT
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લેનાર ભારતીય સેનાના ઍથ્લીટ્સનું હાલમાં સન્માન કર્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આર્મી ઍથ્લીટ્સ શ્રેષ્ઠતા અને વધુ સફળતા માટે પ્રયત્નશીલ રહેશે. પૅરિસમાં આર્મીનો સૂબેદાર જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. બૉક્સર હવાલદાર જાસ્મીન લમ્બોરિયા ઑલિમ્પિક્સમાં ભાગ લેનારી આર્મીની પ્રથમ મહિલા ઍથ્લીટ બની હતી. જનરલ દ્વિવેદીએ પૅરિસ ગેમ્સમાં તેમની ઉલ્લેખનીય સિદ્ધિઓ માટે તેમને સન્માનિત કર્યા હતા.
ઉત્તર પ્રદેશના હૉકી સ્ટાર્સને એક કરોડ રૂપિયા અને DSPની નોકરી આપી મુખ્ય પ્રધાન યોગીએ
પૅરિસ ઑલિમ્પિક્સમાં ઉત્તર પ્રદેશ તરફથી ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ ગઈ કાલે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લેનાર ખેલાડીઓને ૧૦ લાખ રૂપિયા અને બ્રૉન્ઝ મેડલ જીતનાર હૉકી સ્ટાર રાજકુમાર પાલ અને લલિત ઉપાધ્યાયને એક કરોડ રૂપિયાની ઇનામી રકમ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. લલિત ઉપાધ્યાય બાદ હવે રાજકુમાર પાલને પણ ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (DSP)નું પદ આપવાની જાહેરાત કરવામાં આવી છે.