ઑસ્ટ્રેલિયન ઓપનમાં પહેલો સેટ હાર્યા બાદ બેલારુસની ખેલાડીએ કરી જોરદાર વાપસી
કરીઅરનું પહેલું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યા બાદ ઍરીના સબાલેન્કા.
બેલારુસની ખેલાડી ઍરીના સબાલેન્કા ઑસ્ટ્રેલિયન ઓપનમાં કઝાખસ્તાનની એલેના રબાકિનાને ૪-૬, ૬-૩, ૬-૪થી હરાવીને કરીઅરનું પહેલું ગૅન્ડ સ્લૅમ જીતી છે. ૨૪ વર્ષની આ ખેલાડીએ મેલબર્ન પાર્કમાં વિમ્બલ્ડન ચૅમ્પિયનને હરાવી હતી. સબાલેન્કાની પાવરફુલ સર્વનો કોઈ જવાબ કઝાખસ્તાનની ખેલાડી પાસે નહોતો. વિજેતા બન્યા બાદ તેણે પોતાના કોચ ઍન્ટોન ડુબ્રોવ અને ફિટનેસ ટ્રેઇનર જેસન સ્ટેસીને જીતનું શ્રેય આપ્યું હતું અને તેમને મહેનતુ ટીમ ગણાવી હતી. તેણે કહ્યું કે ‘ગયા વર્ષે અમે ઘણા ખરાબ તકબક્કામાંથી પસાર થયાં હતાં. અમે ખૂબ મહેનત કરી. તમે જ આ ટ્રોફીના ખરા હકદાર છો. આ ટ્રોફી મારા કરતાં તમારી વધુ છે.’
સબાલેન્કા શક્તિશાળી ખેલાડી છે. ઍશિઝ તેનું સબળું પાસું તો નબળું પાસું પણ છે. ઘણી વખત તે ડબલ ફૉલ્ટ કરે છે. ગયા ઑગસ્ટથી તેણે સર્વમાં સુધારો કરવાનું તેમ જ મહત્ત્વની મૅચમાં શાંત રહેવાનું શરૂ કર્યું હતું. ઑસ્ટ્રેલિયન ઓપનમાં તે માત્ર એક જ સેટ હારી એ પણ શનિવારે રબાકિના સામે હારી હતી. જોકે ત્યાર બાદ તેણે આક્રમક રમતથી બાજી પલટી નાખી હતી.
આજે જૉકોવિચ અને સિત્સિપાસ વચ્ચે ટક્કર
૨૧ ગ્રૅન્ડ સ્લૅમ જીતી ચૂકેલા સર્બિયાના નોવક જૉકોવિચ અને ગ્રીસના સ્ટેફાનોસ સિત્સિપાસ વચ્ચે ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ રમાશે. જૉકોવિચ આ સ્પર્ધામાં ૧૦મી ટ્રોફી અને બાવીસમું ગ્રૅન્ડ સ્લૅમ જીતવા માગશે, તો સિત્સિપાસ પહેલું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવા માગશે.