ઍડીલેડની બે ચૅમ્પિયન સબાલેન્કા-બેન્સિક વચ્ચે થશે રસાકસી
સબાલેન્કાએ ભૂતપૂર્વ ડબલ્સની પાર્ટનરને સિંગલ્સમાં હરાવી દીધી
બેલારુસની ફિફ્થ-સીડેડ અરીના સબાલેન્કાએ ગઈ કાલે મેલબર્નની ઑસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં પોતાની જૂની ડબલ્સ જોડીદાર બેલ્જિયમની એલિસ માર્ટેન્સને ૬-૨, ૬-૩થી હરાવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ૨૪ વર્ષની સબાલેન્કા પહેલી વાર ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવા પ્રતિબદ્ધ છે. તે ૨૦૨૩ના વર્ષમાં એક પણ મૅચ હારી નથી. ગયા અઠવાડિયે તે ઍડીલેડ ઇન્ટરનૅશનલ-૧ ટાઇટલ જીતી હતી.
બેન્સિક સતત ૯ મૅચ જીતી છે
સબાલેન્કા હવે ફોર્થ રાઉન્ડમાં સ્વિટ્ઝરલૅન્ડની બેલિન્ડા બેન્સિક સામે રમશે. બેન્સિક ઇટલીની કૅમિલા જિયોર્ગીને ૬-૨, ૭-૫થી હરાવીને ચોથા રાઉન્ડમાં પહોંચી છે. થોડા દિવસ પહેલાં બેન્સિક ઍડીલેડ ઇન્ટરનૅશનલ-૨ ટાઇટલ જીતી હતી અને સતત નવ મૅચ જીતીને સબાલેન્કા સામે રમવા ઊતરવાની છે.
થાકેલો મરે હાર્યો, રુબ્લેવ ચોથા રાઉન્ડમાં
ભૂતપૂર્વ નંબર-વન ઇંગ્લૅન્ડનો ઍન્ડી મરે અગાઉની પાંચ-પાંચ કલાકવાળી મૅચો રમીને થાકી ગયો હોવાથી ગઈ કાલે થાકેલી હાલતમાં જ સ્પેનના રોબર્ટો બૉટિસ્ટા ઍગટ સામે ત્રીજા રાઉન્ડમાં રમ્યો હતો અને ૧-૬, ૯-૭, ૩-૬, ૪-૬થી હારી ગયો હતો.
રશિયાના ઑન્ડ્રે રુબ્લેવે ગઈ કાલે થર્ડ રાઉન્ડમાં બ્રિટનના ડૅન ઇવાન્સને ૬-૪, ૬-૨, ૬-૩થી હરાવીને ચોથા રાઉન્ડમાં એન્ટ્રી કરી હતી જેમાં તે ડેન્માર્કના ટીનેજર હૉલ્ગર રુનને હરાવીને મેલબર્નમાં પહેલી વાર ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવા કોઈ કસર બાકી નહીં રાખે.