જૉકોવિચે મોકલ્યા અભિનંદન, મીડિયામાં અસંખ્ય ચાહકોએ પણ નડાલને શુભેચ્છા પાઠવી
રાફેલ નડાલ અને પત્ની મારિયા ફ્રાન્સિસ્કા પેરેલો
ટેનિસજગતના શહેનશાહ અને સ્પેનના ૩૬ વર્ષના વર્લ્ડ નંબર-ટૂ રાફેલ નડાલની પત્ની મારિયા ફ્રાન્સિસ્કા પેરેલોએ શનિવારે પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. જુલાઈમાં નડાલે જાહેર કર્યું હતું કે મારિયા પ્રેગ્નન્ટ છે અને તેઓ પ્રથમ સંતાનની રાહ જોઈ રહ્યાં છે.
ADVERTISEMENT
સ્પેનની એક ફુટબૉલ ક્લબે સોશ્યલ મીડિયા પર આ ખબર બ્રેક કરતાં લખ્યું હતું, ‘અમારી ક્લબના માનદ્ મેમ્બર્સ રાફેલ નડાલ તથા તેની પત્ની મારિયાને પ્રથમ બાળકના પેરન્ટ્સ બનવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન. તમારી આ આનંદિત પળોને શૅર કરવામાં અમે પણ જોડાઈએ છીએ. ઑલ ધ બેસ્ટ!’
નડાલ-મારિયાએ વર્ષો સુધીના ડેટિંગ બાદ ૨૦૧૯ની સાલમાં લગ્ન કર્યાં હતાં. થોડા સમય પહેલાં એવું નક્કી થયું હોવાનું જાણવા મળ્યું હતું કે જો નડાલની પત્ની પુત્રને જન્મ આપશે તો તેનું નામ રાફેલ જ રાખવામાં આવશે.
જૉકોવિચે શુભેચ્છામાં શું લખ્યું?
નડાલના ટેનિસ કોર્ટ પરના કટ્ટર હરીફ અને ખાસ દોસ્ત નોવાક જૉકોવિચે તેને અને તેની ફૅમિલીને સોશ્યલ મીડિયા પર અભિનંદન આપ્યા હતા. બે બાળકોના પિતા જૉકોવિચે નડાલને લખ્યું, ‘કૉન્ગ્રેટ્સ! હું ન્યુઝ જાણીને આનંદિત થઈ ગયો. તને અને તારી પત્ની મારિયાને ખૂબ-ખૂબ અભિનંદન. તમારાં સૌના સ્વાસ્થ્ય અને ખુશી માટેની કામના કરું છું. હા, હું પણ એક પિતા છું, પરંતુ હું (સ્માઇલી સાથે) નડાલને પિતા તરીકેની ફરજો વિશે કોઈ સલાહ નહીં આપું.’
શનિવારે જૉકોવિચ ઍસ્ટાના ઓપનની ફાઇનલમાં પહોંચી ગયો હતો. સેમી ફાઇનલમાં તેનો હરીફ ડેનિલ મેડવેડેવ પગની ઈજાને લીધે મૅચમાંથી નીકળી જતાં જૉકોવિચને ૪-૬થી પ્રથમ સેટ ગુમાવ્યા પછી પણ ફાઇનલમાં પહોંચવા મળી ગયું હતું.
બે ટ્વિન્સના પિતા રોજર ફેડરરના પણ અભિનંદન
તાજેતરમાં રિટાયર થયેલા રોજર ફેડરરે પણ નડાલને અભિનંદન મોકલ્યા હતા. ફેડરરની પત્નીએ ૨૦૦૯માં ટ્વિન પુત્રીઓને અને ૨૦૧૪માં ટ્વિન પુત્રોને જન્મ આપ્યો હતો.