આ અકસ્માતને કારણે રેસને તરત બંધ કરી દેવામાં આવી હતી.
નૅશનલ ચૅમ્પિયનશિપ દરમ્યાન થયેલા ઍક્સિડન્ટમાં રેસર કે. ઈ. કુમારનું મૃત્યુ
મદ્રાસ ઇન્ટરનૅશનલ સર્કિટમાં એમઆરએફ, એમએમએસસી, એફએમએસસીઆઇ ઇન્ડિયન નૅશનલ કાર રેસિંગ ચૅમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં અકસ્માત થતાં એક જાણીતા રેસર કે. ઈ. કુમારનું ગઈ કાલે અવસાન થયું હતું. ઓ ૫૯ વર્ષના હતા. ગઈ કાલે સવારે સલૂન કાર રેસ દરમ્યાન કુમારની કાર અન્ય સ્પર્ધકની કાર સાથે અથડાતાં ટ્રૅક પરથી હટી ગઈ હતી અને વાડ કુદાવીને છત પર ચડી ગઈ હતી. આ અકસ્માતને કારણે રેસને તરત બંધ કરી દેવામાં આવી હતી. કુમારને કારમાંથી બહાર કાઢી હૉસ્પિટલ લઈ જવાયા હતા. ડૉક્ટરોના પૂરતા પ્રયત્ન છતાં તેઓ વધુ પડતી ઈજાને કારણે મૃત્યુ પામ્યા હતા. સ્પર્ધાના ચૅરમૅન વિકી ચંડોકે કહ્યું કે ‘આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. કુમાર એક અનુભવી રેસર હતા. હું તેમને ઘણાં વર્ષોથી ઓળખું છું. તેઓ મારા મિત્ર અને સ્પર્ધક પણ હતા. અમે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.’ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે. દરમ્યાન કુમારના માનમાં એ દિવસના અન્ય તમામ કાર્યક્રમન રદ કરવામાં આવ્યા હતા.