અગાઉ, તે સૈયદ મોદી ઇન્ટરનેશનલ અને સ્વિસ ઓપનમાં બે સુપર 300 ટાઇટલ જીતી ચૂકી છે
ફાઇલ તસવીર
ભારતીય શટલર પીવી સિંધુએ રવિવારે મહિલા સિંગલ્સની ફાઇનલમાં ચીનની વાંગ ઝી યી સામે અદભુત જીત નોંધાવીને સિંગાપોર ઓપન 2022નો ખિતાબ જીતવા માટે તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. સિંધુએ 11માં ક્રમાંકિત વાંગ ઝી યીને હરાવીને તેણીનું પ્રથમ સિંગાપોર ઓપન ટાઇટલ જીત્યું છે. આ તેણીનું પ્રથમ સુપર 500 ટાઇટલ છે. આ વર્ષે બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુનું આ ત્રીજું ટાઈટલ છે. અગાઉ, તે સૈયદ મોદી ઇન્ટરનેશનલ અને સ્વિસ ઓપનમાં બે સુપર 300 ટાઇટલ જીતી ચૂકી છે. આ મેચમાં સિંધુએ વાંગ ઝી યીને 21-9, 11-21 અને 21-15થી હરાવી હતી. કોમનવેલ્થ ગેમ્સ પહેલાં આ ખિતાબ ચોક્કસપણે સિંધુનો આત્મવિશ્વાસ વધારશે.
સિંધુએ મેચની શાનદાર શરૂઆત કરી હતી, પ્રથમ સેટમાં તેણે ચીનની શટલરને 21-9ના મોટા માર્જિનથી હરાવી હતી, પરંતુ બીજા સેટમાં વાંગ ઝી યીએ શાનદાર વાપસી કરીને સિંધુને 11-21થી હરાવી હતી. ત્રીજી અને નિર્ણાયક મેચમાં બંને ખેલાડીઓ વચ્ચે જબરદસ્ત લડાઈ જોવા મળી હતી, પરંતુ મેચના અંત સુધીમાં સિંધુએ વાંગ ઝી યી પર પ્રભુત્વ જમાવવાનું શરૂ કર્યું હતું અને અંતિમ સેટ 21-15થી જીતીને ટાઈટલ જીતી લીધું હતું.
ADVERTISEMENT
સિંધુ અંતિમ સેટમાં 11-6થી આગળ હતી, પરંતુ ચીનની શટલરે જોરદાર વાપસી કરીને સ્કોરને 12-11 સુધી પહોંચાડ્યો હતો. આ દરમિયાન સિંધુએ કોર્ટના મૂલ્યાંકનમાં ઘણી ભૂલો કરી, પરંતુ અંતે આ ખેલાડીએ જોરદાર વાપસી કરી અને મેચ જીતી લીધી.