મંગળવારથી દુબઈમાં શરૂ થનારી બૅડ્મિન્ટન એશિયા મિક્સ્ડ ટીમ ચૅમ્પિયનશિપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે
પી.વી. સિંધુ
ભારતની સ્ટાર બૅડ્મિન્ટન ખેલાડી પી.વી. સિંધુ સીઝનની આગામી સ્પર્ધાઓ માટે સકારાત્મક છે. તેના ડાબા પગમાં થયેલા સ્ટ્રેસ ફ્રૅક્ચરમાંથી સંપૂર્ણપણે સાજી થઈ ગઈ છે. તે લક્ષ્ય સેન અને પ્રણોસ સાથે મંગળવારથી દુબઈમાં શરૂ થનારી બૅડ્મિન્ટન એશિયા મિક્સ્ડ ટીમ ચૅમ્પિયનશિપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. બે વખત ઑલિમ્પિક મેડલ જીતનાર સિંધુએ કહ્યું હતું કે હવે હું સંપૂર્ણપણે સાજી થઈ ગઈ છું તેમ જ મારી તમામ તાકાત આ રમતમાં લગાવી દઈશ. ગયા વર્ષે ઑગસ્ટમાં કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ ઈજાને કારણે બહાર થયેલી સિંધુએ પહેલી સ્પર્ધા મલેશિયા ઓપન સાથે વાપસી કરી હતી, પરંતુ પહેલા રાઉન્ડમાં જ સ્પેનની કૅરોલિના મારિન સામે ત્રણ ગેમમાં હારી ગઈ હતી. એના એક સપ્તાહ બાદ તે ઇન્ડિયા ઓપનના પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. સિંધુએ કહ્યું હતું કે હું શારીરિક અને માનસિક રીતે ઠીક છું. ઈજાઓ થતી રહે છે, પરંતુ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તમે તમારા શરીરને સ્વસ્થ રાખો અને દરેક વખત મજબૂતી સાથે વાપસી કરો. મારા પેરન્ટ્સ પણ ખેલાડી છે, એથી ખરાબ સમયમાં આગળ વધવાની પ્રેરણા મળે છે.’