પૂજાએ અમેરિકાના કેન્ટકીમાં બ્રાઝિલની રેયાન ડોસ સાન્તોસ સામે ૩૦-૨૭, ૨૭-૩૦, ૨૯-૨૮ના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો
પૂજા તોમર
૩૦ વર્ષની પૂજા તોમર અલ્ટીમેટ ફાઇટિંગ ચૅમ્પિયનશિપ (UFC)માં વિજય નોંધાવનાર ભારતની પ્રથમ મિક્સ્ડ માર્શલ આર્ટ (MMA) ફાઇટર બની છે. ડેબ્યુ મૅચમાં ‘સાઇક્લોન’ તરીકે જાણીતી પૂજાએ અમેરિકાના કેન્ટકીમાં બ્રાઝિલની રેયાન ડોસ સાન્તોસ સામે ૩૦-૨૭, ૨૭-૩૦, ૨૯-૨૮ના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો.
પૂજાએ ગયા વર્ષે ઑક્ટોબરમાં UFC સાથે કરાર કર્યો હતો અને આ રીતે મિક્સ્ડ માર્શલ આર્ટની સૌથી મોટી સ્પર્ધાઓમાં ભાગ લેનારી ભારતની પ્રથમ મહિલા બની હતી. અંશુલ જ્યુબિલી અને ભરત કંડારે UFCમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જોકે તેઓ ડેબ્યુ મૅચ જીતી શક્યા નહોતા.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના બુઢાણા ગામમાં જન્મેલી પૂજા પાંચ વખતની નૅશનલ વુશુ ચૅમ્પિયન છે અને તેણે કરાટે અને તાઇક્વૉન્ડોમાં પણ ભાગ લીધો હતો. UFCના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને એશિયાના વડા કેવિન ચાંગે જણાવ્યું હતું કે પૂજા તોમર ભારતમાં મહિલા MMAની અગ્રણી બની છે અને તેણે જીતીને ઇતિહાસ રચ્યો છે. UFCએ ૨૦૧૩થી મહિલાઓને એક પ્લૅટફૉર્મ આપ્યું છે.